સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધા પછી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા
સરગવો, જામફળ, કેળ, સીતાફળ, આંબા, લીંબુ જેવા બાગાયતી પાકો, શાકભાજી તથા ધાન્ય પાકો થકી આર્થિક ઉપાર્જન રળતા ખેડૂત વરજંગજી
ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પધ્ધતિને અપનાવીને પ્રાકૃતિક ખેતી સાથે વધુ આવક મેળવતા થયા છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈસરવા ગામના ખેડૂત ઠાકોર વરજંગજી વધાજી છેલ્લા ચાર વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવીને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યાં છે. તેઓ જણાવે છે કે, તેઓ સૌપ્રથમ આત્મા યોજનાના ગ્રુપમાં જોડાયા હતા અને આત્મા વિભાગ બનાસકાંઠા દ્વારા લેવામાં આવતી વિવિધ મિટિંગમાં હાજરી આપતા હતા. તેઓ રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસમાં પણ ગયા હતા અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી. આ પછી તેમણે પ્રાકૃતિક કૃષિ થકી કંઇક નવું કરવાનો વિચાર આવ્યો અને તેમણે આ ખેતીને હંમેશા માટે અપનાવી લીધી છે.
પ્રાકૃતિક કૃષિ અંગે વાત કરતા તેઓ જણાવે છે કે, પહેલા તેઓ પણ બીજા ખેડૂતો માફક પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા. તાલીમ અને માર્ગદર્શન મળતા મને વિચાર આવ્યો કે, મારે મારી જમીનને ફળદ્રુપ બનાવવી છે તથા દેશી ગાય આધારિત ખેતી થકી સ્વસ્થ સમાજ બનાવવા તરફ આગળ વધવું છે. તેઓ ચાર વર્ષથી આ ખેતી સાથે જોડાયેલા છે અને શાકભાજી, પપૈયા, સરગવો, ઘઉં, બાજરી, મગ, મરચાં, ચોળી, ધાણા, ફુદીનો, ડુંગળી જેવા પાકોનું વાવેતર કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત આચ્છાદન, દશપર્ની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસના ઉપયોગ થકી ખેતી કરે છે.
તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે જેમાં તેઓ સરગવો, જામફળ, કેળ, સીતાફળ, આંબા, લીંબુ જેવા બાગાયતી પાકો તથા શાકભાજી અન્ય પાકોનું વાવેતર પણ કરે છે. તેમણે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ સરકાર તરફથી સહાય પણ મેળવી છે. આ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને બીજા ૧૦ જેટલા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપતા તેઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.