વડગામની ધી અર્બુદા ક્રેડિટ કો -ઓપરેટિવ સોસાયટીમાંથી લોન લઈ ભરપાઈ ન કરનાર આરોપીને કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ વ્યાજ સહિત ચડત રકમ એક મહિનામાં ચૂકવવાનો આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ વડગામની અર્બુદા ક્રેડિટ કો- ઓપરેટિવ સોસાયટીમાંથી વરસડા ગામના જ્યોતિબેન પ્રેમજીભાઈ પટેલે તારીખ 24/1/2021 ના રોજ ખેતી વિષયક લોન લીધી હતી. જેના બે જામીન પણ આપ્યા હતા પરંતુ તેઓએ લોન ભરપાઈ કરી નહતી. તેથી તારીખ 31/12 /2024 સુધી વ્યાજ સાથે રૂપિયા 66,210 બાકી નીકળતા હતા. જે બાબતે સોસાયટીના મેનેજર હીરાભાઈ આર.વણસોલાએ વારંવાર ઉઘરાણી કરતા તેમણે તારીખ 23/1/2025 ના રોજ બનાસ બેંક છાપી શાખાનો ચેક આપેલ હતો.
પરંતુ ચેક અપૂરતા ભંડોળના કારણે પરત કર્યો હતો .તેથી મેનેજરે તેમના વકીલ પી.એફ.ચૌધરી મારફત તારીખ 29/3/2025 ના રોજ આરોપીને નોટિસ ફટકારી વડગામ કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138 મુજબ ગુનો દાખલ કરેલ.જે કેસ વડગામના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર શર્માની કોર્ટમાં ચાલી જતા વકીલની ધારદાર દલીલો અને ચેક રીટર્નના વધતા જતા બનાવોને લઈ તેમજ આરોપી કોર્ટમાં હાજર ન રહેતા નામદાર જજે આરોપી જ્યોતિબેન પટેલને બે વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 66,210 એક મહિનાની અંદર ચૂકવવાનો આદેશ કર્યો હતો તેમ છતાં આરોપી રકમ ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો હતો.

