ખેતીના પાકોની તૈયારી સમયે કમોસમી માવઠાનો માર : ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું લઘુત્તમ તાપમાન નો પારો પણ ૨.૮ ડિગ્રી નો ધટાડો થયો
ડીસા માં બે ઇંચ દાંતીવાડા દીયોદર અમીરગઢ સુઈગામમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત ના ભાગોમાં કમોસમી માવઠું થયુ છે અરબ સાગર માં સર્જાયેલી મજબૂત સિસ્ટમને લઈ વાતાવરણ બદલાયું હતું. જેને લઇ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના છૂટા છવાયા સ્થળો પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં મંગળવારની મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ શરૂ થતાં ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો.
ભર શિયાળે જિલ્લામાં કમોસમી માવઠા નો માર જોવા મળ્યો છે જેને લઇ ખરીફ સીઝન ઉપરાંત રવિ સિઝનના પાકો અને પણ વ્યાપક અસર થવા પામી રહી છે અચાનક બદલાયેલા વાતાવરણ ની સાથે બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદ શરૂ થયો હતો જેમાં બુધવારના દિવસે વરસાદનું જોર વધતા જિલ્લાના ભીલડી ડીસા દાંતીવાડા દીયોદર કાંકરેજ અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવા પામ્યો હતો.
શા કારણે માવઠાની અસર થઈ
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન ના કારણે ભેજવાળા પવનો ગુજરાતના અનેક ભાગોમાં આવતા કમોસમી વરસાદ જોવા મળ્યો છે જેમાં ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમ હજુ પણ વધુ મજબૂત હોય અને ગુજરાત તરફ આગળ વધતી હોવાને કારણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં પણ આવી છે.
કયા પાકોને કમોસમી વરસાદના કારણે નુકસાનની શક્યતાઓ
બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝન ના પાકોને લેવાની કામગીરી પણ શરૂ હતી જેમાં મગફળી બાજરી ઘાસચારો કઠોળ તલ એરંડા કપાસ સહિત રવિ સિઝનના પાકો ની પણ વાવણી ના સમયે કમોસમી વરસાદ થતાં જીરુ રાયડો રાજગરો તમાકુ બટાટા સહિત ના શાકભાજીના વાવેતર ઉપર તેની અસર વર્તાવાની શક્યતાઓ રહેલી છે.
કમોસમી વરસાદને લઈને રવિસીઝનના પાકો પર વ્યાપક અસર
માવઠાના કારણે ખેતી પર તેની વ્યાપક અસર થવાની શક્યતાઓ રહેલી છે જેમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા આગામી 10 થી 15 દિવસ સુધી ખેડૂતો વાવણી કરી શકશે નહીં આ ઉપરાંત વાવણી કરવા માટે ખેડૂતોએ બટાકા સહિત ખાતર લાવી દીધું હતું તેમાં પણ મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે એટલે કે કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને ચારે તરફથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ડીસા પંથકમાં મધરાતથી વહેલી સવાર સુધી ૨ ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો
ડીસા તાલુકામાં પણ મંગળવાર ની મોડીસાંજે વરસાદ શરૂ થતા વહેલી સવાર સુધી અનેક વિસ્તારોમાં ચાલુ રહેતા ૨ ઈંચ થી પણ વધુ વરસાદ થતાં શિયાળાની શરૂઆતમાં જ ડીસાવાસીઓને ચોમાસાની યાદ અપાવી હતી રાત્રિ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના ખેતરો પણ પાણીથી લબો લબ ભરાઈ જવા પામ્યા હતા
કમોસમી માવઠાની સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું
બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ હતી પરંતુ ઠંડીનું પ્રમાણ સામાન્ય જોવા મળી રહ્યું હતું ત્યારે બે દિવસ થી બદલાયેલા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ની સાથે ઠંડા પવનો ફુંકાવા થી દિવસે પણ ઠંડીનુ પ્રમાણ જોવા મળ્યું હતું ડીસા ના લધુતમ તાપમાન માં ૨.૮ ડીગ્રી નો ધટાડો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઇ ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો
ગુજરાત રાજ્યમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે અનેક જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ સર્વેની કામગીરી ગ્રામસેવકો દ્વારા એક અઠવાડિયા માં પૂર્ણ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં બે ઇંચ કરતા પણ વધુ વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં વળતર ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી છે.



