પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી; પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના પેટ્રોલપંપે ગુરૂવારે રાત્રે બાઇક લઈને ચાર અજાણ્યા શખ્સો પેટ્રોલ પુરાવવા આવ્યાં હતાં. જેમણે કુહાડીની અણીએ પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 25 હજારની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં. જે ફરાર શખ્સો પેટ્રોલ પંપ ઉપર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી કુટેજના આધારે આ લૂંટ કરનારા અજાણ્યાં શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના વિક્રમભાઈ નરસિંહભાઈ ઠાકોર પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે. જે ગુરુવારે મોડી રાત્રે પેટ્રોલ પંપ ઉપર હતા. ત્યારે રાત્રિના 3:20 કલાકે બાઈક ઉપર આવેલ અજાણ્યા ચાર શખ્સોએ 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું અને 500 રૂપિયાની નોટ આપી હતી. વિક્રમભાઈએ બાકીના નાણાં પરત આપવા ખિસ્સામાંથી રૂપિયા કાઢતાં આ શખ્સો પૈકી એક જણાએ તેમને બાથમાં પકડી લીધા હતાં. બીજાએ ગળા ઉપર કુહાડી મૂકી રૂપિયા 25 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં. જ્યાં વિક્રમભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી કુટેજને આધારે બાઇક તેમજ અજાણ્યાં શખ્સોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

