વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર; રખડતા ઢોરને કારણે ઊંઝા તાલુકાના દાસજ ગામના યુવાનનું બે દિવસ અગાઉ સાંઈબાબા મંદિર નજીક થયેલ અકસ્માતમાં મોત નિપજ્યું હતું જેને લઈ આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. રખડતા ઢોરને કારણે થયેલી દુર્ઘટનાને લઈ તાત્કાલિક પગલાં લેવા મુદ્દે રજૂઆત કરાઈ છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે ઊંઝા તાલુકાના દાસજ ગામના કેતનભાઇ ભરતભાઈ પટેલ ઉવ.30 મોટરસાયકલ લઈ ઊંઝા દાસજ રોડ પર સાંઈબાબા મંદિર નજીક પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક ગાય વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો અને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આવી દુર્ઘટનાઓ અગાઉ પણ બનતી આવી છે. જેથી શહેરમાં રખડતા ઢોરને તાત્કાલિક પકડી ગૌ શાળામાં મોકલવાની ઘટતિ કાર્યવાહી થાય, ઢોરના માલિકની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી તથા દંડ ધરવામાં આવે, શહેરના મુખ્ય માર્ગો અને બજારમાં સીસીટીવીના માધ્યમથી દેખરેખ રાખવામાં આવે સહિતની માંગ કરવામાં આવી હતી.

