એમ.ડી. અભિનવ ભારતી ટ્રસ્ટના સંચાલકોની મનમાનીથી ગ્રામજનોમાં આક્રોશ
ગ્રામજનોની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મંજૂરી ન આપવા ઉગ્ર રજુઆત
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણાના એમ.ડી. અભિનવ ભારતી ટ્રસ્ટ દ્વારા ગ્રાન્ટેબલ હાઈસ્કૂલમાં પ્રાઇવેટ શાળાની મંજૂરી માગતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો છે. જેથી નારાજ ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી મંજૂરી ન આપવા ઉગ્ર રજૂઆત કરી છે. જે મુદ્દે આગામી સમયે ઉગ્ર જન આંદોલનના ભણકારા સંભળાઈ રહ્યા છે.
આજથી 40 વર્ષ પહેલા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેવા શુભ આશયથી કાંકરેજ તાલુકાના લોકલાડીલા નેતા સ્વ. જયંતીલાલ શાહ દ્વારા તાલુકામાં એમ.ડી.અભિનવ ભારતી ટ્રસ્ટ બનાવી ચાર ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ ચાલુ કરવામાં આવેલ. અને તે સમયે ગામના શિક્ષણ પ્રેમી અગ્રણીઓએ પણ પંચાયત હસ્તકની જમીનો સ્કૂલ ચાલુ કરવા માટે સંપાદિત કરી સહકાર આપેલ.
પરંતુ હાલમાં એમ.ડી.ભારતી ટ્રસ્ટના સંચાલકો દ્વારા ખીમાણા હાઈસ્કૂલમાં પ્રાઇવેટ શાળા ચાલુ કરવા માટે મંજૂરી માંગેલ છે.જેનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેથી એકઠા થયેલા ગ્રામજનો જિલ્લા મુખ્યાલય પાલનપુર દોડી આવ્યા હતા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.જેમાં ખીમાણા હાઇસ્કુલ ગ્રાન્ટેબલ છે જ્યાં હાલ ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો પણ ચાલે છે પરંતુ એમ. ડી. ભારતી ટ્રસ્ટના સંચાલકો દ્વારા હાલ ધોરણ ૬ થી ૮ ના વર્ગો માટે પ્રાઇવેટ શાળાની મંજૂરી માંગેલ છે. પરંતુ ગ્રામીણ બાળકોના હિતમાં મંજૂરી ન આપવા ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોનો આક્રોશ જોતા આ મુદ્દે આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાય તેવી સંભાવના છે.