બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ નજીક પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને રૂ.1,17,332/- ની કિંમતના 39.244 ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ પોષ ડોડા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, પોલીસે રૂ.8 લાખની સફેદ ક્રેટા ગાડી, રૂ.10,000/- ના બે મોબાઈલ ફોન, રૂ.710/- રોકડા અને રૂ.500/- ની ટ્રોલી બેગ સહિત કુલ રૂ.9,28,942/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરા પીઆઈ એમ.જે. ચૌધરીને બાતમી મળી હતી કે, દેવુભા નથુભા કલાજી સોઢા (ગામ: કોરીયાણી, તા. લખપત, જી. કચ્છ) અને સીમજીત કૌર ગુરુદેવ સિંહ ભૂપેન્દ્રસિંહ રાય શીખ (ગામ: કોઈ નારા, તા. લખપત, જી. કચ્છ) નામના બે શખ્સો રાજસ્થાનના બાખાસર પાસેથી ધાનેરા તરફ માદક પદાર્થ પોષડોડા લઈને આવી રહ્યા છે.આ બાતમીના આધારે, પીઆઈ ચૌધરીએ પોતાની પોલીસ ટીમ જેમાં વિજયસિંહ ઝાલાજી, આરતીબેન, ખુમાભાઈ, રમેશભાઈ અને પરબતસિંહનો સમાવેશ થાય છે, તેમને નેનાવા ચેકપોસ્ટ પર મોકલી હતી. વોચ ગોઠવીને ઊભેલી ટીમે GJ 12 DA 3718 નંબરની સફેદ ક્રેટા ગાડી આવતા તેને રોકાવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી 39.244 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.1,17,332/- અંદાજવામાં આવી છે.
પોલીસે ડ્રગ્સ ઉપરાંત ગાડી, મોબાઈલ ફોન, રોકડ અને ટ્રોલી બેગ સહિત કુલ રૂ.9,28,942/- ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે વધુ તપાસ ધાનેરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

