આર.ટી.ઓ.કચેરીએ પણ મેમો જોયા વગર જ દંડ વસુલ્યો; ડીસામાં ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એક ગરીબ રીક્ષા ચાલકને હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે 12 હજાર રૂ.નો મેમો આપી દેવામાં આવ્યો છે જોકે ગરીબ રીક્ષા ચાલકે મેમો તો ભરી દીધો પરંતુ ટ્રાફિક પોલિસની ઘોર બેદરકારી પણ સામે આવી છે.
જો તમે બનાસકાંઠા જીલ્લામાં રિક્ષા ચલાવતા હોય તો તમારે હવેથી હેલ્મેટ પહેરવું પડશે.કારણ કે ડીસા ટ્રાફિક પોલીસ હવે ટુ વ્હીલરની સાથે સાથે રિક્ષા ચાલકોને પણ મેમો પધરાવી રહી છે. ડીસામાં પણ એક રિક્ષા ચાલક આ ઘટનાનો ભોગ બન્યો છે. મોટર વ્હીકલ એક્ટ ૧૨૯ મુજબ મોટર સાઇકલ ચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પરંતુ ક્યાય રિક્ષા ચાલકને હેલ્મેટ પહેરવું જોઇએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યારે ડીસામાં એક રિક્ષા ચાલક અજીબો ગરીબ ઘટનાનો ભોગ બન્યો છે. ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવાનો મેમો પધરાવી દેતા રિક્ષા ચાલક પણ આશ્ચર્યમાં મુકાઇ ગયો છે. અને તેને ટ્રાફિક પોલીસની આ લાપરવાહીને લઈ આર.ટી.ઓ કચેરીમાં બાર હજારનો દંડ ભર્યો છે.
ડીસાના બલવંતભાઈ ગરીબ પરિવારના છે અને તેમની રોજી રોટીનું એકમાત્ર સાધન તેમની રિક્ષા છે. બલવંતભાઈનું માનીએ તો ૧૯ ફેબ્રુઆરીના રોજ તે પોતાની જી.જે.૮.એ.વી.૨૪૪૮ નંબરની રિક્ષા લઈને સુભાષ ચોક નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ડીસા દક્ષિણ પોલીસ મથકના ટ્રાફિક પોલીસે તેમને રિક્ષા થોભાવી અને મેમો આપ્યો હતો. આ ટ્રાફિક પોલીસ કર્મચારીએ જે મેમો આપ્યો હતો તેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ના રાખવાનો તો ઉલ્લેખ હતો. પરંતુ અન્ય એક કારણ જે દર્શાવવામાં આવ્યું હતું તે કારણ ચોંકાવનારું હતું. તે કારણ હતું હેલ્મેટ પહેરેલ નથી..! પોલીસની આ કામગીરી સહુ કોઈને આશ્ચર્યમાં મૂકી નાંખે તેવી છે.
બલવંતભાઈ જેવા ગરીબ પરિવારના લોકો તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતા હોય છે અને તેમની સાથે આ ઘટના બનતા તે પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. અને તે પોતાનો મેમો લઈને આર.ટી.ઓ. કચેરીમાં ભરવા પહોંચ્યા ત્યારે આર.ટી.ઓ. કચેરીએ પણ આ મેમો જોયા વગર ૧૨ હજારનો દંડ બલવંતભાઈ પાસેથી વસૂલ કર્યો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસના ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા આપવામાં આવેલા મેમોમાં મોટર વ્હીકલ એક્ટની કલામ ૧૨૯ મુજબ હેલ્મેટ ન પહેરવાનો ગુનો મોટર સાઇકલ ચાલક પર લાગુ પડતો હોય છે અને રિક્ષાની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી.તેમ છતાં રિક્ષા ચાલકને મોટર વ્હીકલ એક્ટ ૧૨૯ મુજબ દંડ ફટકારી શકાય ખરો..? ડીસા શહેર દક્ષિણ પોલીસની આ કામગીરીને લઈ અત્યારે સહુ કોઈ આશ્ચર્યમાં છે. અને એક સવાલ ઉઠી રહ્યો છે કે રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવા માટે દંડ આપી શકાય ખરો ??