ભોપાનગર રેલવે ફાટક પર ફરી ટ્રાફીકજામ અડધા કલાક સુધી બે એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો ફસાયા

ભોપાનગર રેલવે ફાટક પર ફરી ટ્રાફીકજામ અડધા કલાક સુધી બે એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો ફસાયા

ફાટકની બન્ને સાઈડે વાહનોની પાંચ કિલોમીટર સુધી લાઈનો લાગી; ડીસાની ભોપાનગર રેલવે ફાટક પર આજે ફરી એકવાર વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અચાનક અડધો કલાક કરતા વધુ સમય સુધી રેલવે ફાટક બંધ રહેતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં બે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના સમયે ભોપાનગર રેલવે ફાટક અચાનક બંધ કરી દેવામાં આવી હતી. સામાન્ય રીતે ટ્રેન પસાર થવાના થોડા સમય પહેલા અને પછી જ ફાટક બંધ રહેતી હોય છે, પરંતુ આજે અસામાન્ય રીતે ફાટક અડધો કલાકથી વધુ સમય સુધી બંધ રહી હતી. આ કારણે ડીસા તરફથી આવતા અને ભોપાનગર તરફથી જતા બંને રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જોતજોતામાં ટ્રાફિક જામની પરિસ્થિતિ વિકટ બની અને વાહનોની કતારો પાંચ કિલોમીટર સુધી લંબાઈ હતી.

ટ્રાફિક જામના કારણે સૌથી વધુ મુશ્કેલીનો સામનો દર્દીઓને લઈ જતી બે એમ્બ્યુલન્સને થયો હતો. ફાટક બંધ હોવાને કારણે આ બંને એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવાની જરૂરિયાતવાળા દર્દીઓને સમયસર સારવાર ન મળે તો જીવનું જોખમ વધી શકે છે, અને આ પરિસ્થિતિને કારણે વાહન ચાલકોમાં ભારે ચિંતા અને આક્રોશ ફેલાયો હતો. કેટલાક સ્થાનિકોએ તાત્કાલિક ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ વાહનોની સંખ્યા વધુ હોવાથી તે શક્ય બન્યું નહોતું.

વાહનચાલકોની લાંબા સમયથી હેરાનગતિ; આ પહેલીવાર નથી કે ભોપાનગર રેલવે ફાટક પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હોય. સ્થાનિક વાહન ચાલકો અને મુસાફરો આ સમસ્યાથી લાંબા સમયથી હેરાન થઈ રહ્યા છે. ફાટક વારંવાર બંધ થતા અને ટ્રાફિક જામ થવાને કારણે લોકોને સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની માંગણી ઘણા સમયથી ઉઠી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા આ મામલે ગંભીરતાથી વિચારણા કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થવાની પુરેપૂરી શક્યતા છે.તેવો બળાપો લોકોએ ઠાલવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *