ડીસામાં ટ્રાફિકને નડતર રૂપ મુખ્ય માર્ગો પરના દબાણો હટાવાયા

ડીસામાં ટ્રાફિકને નડતર રૂપ મુખ્ય માર્ગો પરના દબાણો હટાવાયા

ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી. ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ફુવારા વિસ્તાર પર છેલ્લા ઘણા સમયથી ફેરિયાઓ, શાકભાજી- ફ્રુટની લારીઓ, નાસ્તાની લારીઓ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઉભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઈન બોર્ડ મૂકવામાં આવે છે. જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે પીકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને પણ ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. જેથી આ અંગેની વારંવારની રજૂઆતોના પગલે આજે ડીસા નગરપાલિકા અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી.

ડીસા નગરપાલિકાના દબાણ હટાવ અધિકારી મનોજભાઈ પટેલના જણાવ્યા અનુસાર, રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતા શાકભાજી અને ફ્રુટ લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે રસ્તાઓ પહોળા જણાતા લોકોએ પણ રાહત અનુભવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *