બનાસકાંઠામાં જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિષેશ ઉપસ્થિતિમાં ભાટીબ ખાતે ખાતમુહર્ત કાર્યક્રમ યોજાશે
રાજ્યમાં ભૂગર્ભજળ ઊંચા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વરસાદી પાણી બચાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જળસંચય અને ખેત તલાવડીઓ અંતર્ગત થઈ રહેલી કામગીરીના કારણે ભૂગર્ભ જળમાં સકારાત્મક પરિણામો મળ્યા છે. આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાના ભાટીબ ખાતે એક સાથે ૫૧ ખેત તલાવડીના ખાતમુર્હૂતનો કાર્યક્રમ યોજાશે.
બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળને બચાવવાના અને ખેડૂતોની સુખાકારીના ભાગરૂપે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી ધાનેરાના ભાટીબ ખાતે ૫૧ ખેડૂતો દ્વારા ખેત તલાવડીઓ બનાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા વિશેષ જળ અભિયાનને સમર્થન મળી રહ્યું છે ત્યારે જિલ્લામાં જળ અભિયાન એ જન અભિયાન બન્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈના હસ્તે ધાનેરા- ભાટીબના ખેડૂત પાતાભાઈ જોઈતાભાઈ જુડાલના ખેતર ખાતેથી ૫૧ ખેત તલાવડીઓનું ખાતમુર્હુત કરાશે જેમાં સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.
અહીં નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળ ઊંચા આવે તથા ખેડૂતોની સુખાકારી વધે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લામાં નર્મદા કેનાલ, સુજલામ સુફલામ યોજના, નહેરો, તળાવોની કનેક્ટિવિટી, મિશન કેડર એનર્જી એન્ડ વોટર કન્ઝર્વેશન, ચેકડેમ સહિતના કાર્યો અમલી થયા છે. ખેત તલાવડી ખેડૂતો માટે અસરકારક પાણી સંરક્ષણ પદ્ધતિ છે. ખેત તલાવડીથી વરસાદી પાણી સંગ્રહ, સિંચાઈ, પર્યાવરણનું સંરક્ષણ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તથા પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા મળી રહે છે. ખેત તલાવડી નાના અને મોટા ખેડૂતો માટે એક લાંબા ગાળાનો લાભદાયી ઉકેલ પણ છે.