સીસીટીવી તોડી ઓફિસને નુકસાન કરનાર ત્રણ ઈસમો સામે ફરિયાદ
બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિ ની પ્રતીતિ કરાવતા બનાવમાં નજીવી તકરારમાં દાંતા તાલુકાના ભેમાળ માં ક્વોરી પર જઈ રિવોલ્વર બતાવી સીસીટીવી તોડી ઓફિસને નુકસાન કરી ક્વોરી માલિકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાંતા પોલીસ સ્ટેશને નોંધાઇ છે.
બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખોફ જ ન હોય તેમ માથું ઊંચકી રહ્યા છે. રિવોલ્વર બતાવવી કે હથિયારો વડે હુમલો કરવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. આવો જ એક બનાવ દાંતા તાલુકાના ભેમાળ ગામમાં બન્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની અને હાલમાં પાલનપુરના ડીસા હાઇવે અક્ષતમ-4 સોસાયટીમાં રહેતા દિનેશભાઇ જાલમભાઈ ચૌધરી દાંતા તાલુકાના ભેમાળ ગામમાં ઉષા ક્વોરી વર્કસ ચલાવે છે. જેઓને જમીનની તકરાર ચાલતી હોઈ તેનું મનદુઃખ રાખી તેઓના ભત્રીજા સંજય અશ્વિનભાઈ ચૌધરીએ તેઓને ફોન કર્યો હતો.
જોકે, કાકાએ પાલનપુર આવીને વાત કરીએ તેમ કહેતા ભત્રીજો સંજય અશ્વિન ચૌધરી તેના સાગરીતો જીલ દેસાઈ અને મિહીર ગઢવી સાથે સિયાઝ ગાડી અને એક નંબર પ્લેટ વગરની ગાડી લઈને ભેમાળ ખાતેની ક્વોરી પર પહોંચ્યો હતો. જોકે, ક્વોરી પર તેના કાકા ન મળતા તેઓએ સીસીટીવી તોડી લાઇસન્સવાળી રિવોલ્વર લઈ બહાર નિકળી હથિયાર લાઇસન્સના નિયમોનો ભંગ કરી ઓફિસના દરવાજાને લાતો મારી હાજ મેનેજરને કહેલ કે, તારા શેઠને પતાવી દેવો છે. તે કેટલા દિવસ ભાગશે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે દિનેશભાઇ જાલમભાઈ ચૌધરીની ફરિયાદના આધારે દાંતા પોલીસે (1)સંજય અશ્વિનભાઈ ચૌધરી રહે.શક્તિનગર સોસાયટી, બેચરપુરા, પાલનપુર (2) જીલ દેસાઈ અને (3)મિહિર ગઢવી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.