અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીના નિધનની પુષ્ટિ : રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંફહિંગર નિવાસસ્થાને હાજર : રાજકોટમાં અંતિમ યાત્રાનો વિગતવાર રૂટ જાહેર : અંતિમ યાત્રાની તારીખ અને સમય હવે પછી જાહેર થશે
ગુજરાતના રાજકારણ અને પ્રજાના હૃદયમાં અદમ્ય સ્થાન પામનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થયેલા દુ:ખદ નિધનની DNA મેચિંગ દ્વારા પુષ્ટિ થઈ ગઈ છે. આ અંગે ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે સત્તાવાર જાહેરાત કરી છે. આ સમાચાર મળતા જ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે, જ્યાં સંપૂર્ણ રાજકીય પ્રોટોકોલ અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમ યાત્રા નીકળશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.રાજકોટમાં પ્રકાશ સોસાયટી સ્થિત વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન “પુજીત” ખાતે તેમની અંતિમ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના અનેક ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓ શોક વ્યક્ત કરવા માટે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે. હજારોની સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડશે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અંતિમ યાત્રાનો રૂટ અને પોલીસ જાહેરનામું
રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીથી શરૂ થઈને રામનાથપરા સ્મશાન સુધી પહોંચશે, જ્યાં તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે. અંતિમ યાત્રાના એક કલાક પહેલા સમગ્ર રૂટ પર વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.
અંતિમ યાત્રાનો નિર્ધારિત રૂટ નીચે મુજબ રહેશે
પ્રકાશ સોસાયટીમાં “પુજીત” મકાનથી નીકળીને પ્રકાશ સોસાયટી મેઈન રોડ, નાગનાથ મહાદેવ મંદિર, નિર્મળા રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડર બ્રિજ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, રાજમંદિર ફાસ્ટ ફુડ ટી-પોઇન્ટ, ડો. દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ ચોક, રાડીયા બંગલા ચોક, માલવીયા ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, આર.એમ.સી. ચોક, કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી-પોઇન્ટ, કોઠારીયા પોલીસ ચોકી, વિરાણી વાડી ચોક, ગરૂડ ગરબી ચોક થઈને અંતે રામનાથપરા સ્મશાન પહોંચશે.આ ઉપરાંત, ભાવનગર રોડ પર પાંજળાપોળથી રામનાથપરા સ્મશાન સુધી અને ગઢની રાંગ તરફ ભીચરી નાકાથી રામનાથપરા સ્મશાન સુધીના રૂટના રોડ ઉપર પણ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતમાં એક અનુભવી અને લોકપ્રિય નેતાની ખોટ પડી છે. તેમની યાદમાં રાજકોટ અને ગાંધીનગર બંને સ્થળોએ પ્રાર્થના સભા યોજવાની વિચારણા ચાલી રહી છે.

