ધાનેરાના હાઇવે નજીક ખેડૂતના ખેતરમાં પડી રહેલા ઘાસચારામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. જેથી ધાનેરા પાલિકાના ફાયર ફાઈટરએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે, ધાનેરા હાઇવે નજીક આવેલા ખેડૂતના ખેતરમાં ઘાસચારો પડ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. ખેડૂત સહિત સ્થાનિક લોકો લાગેલ આગમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ખેડૂત પરિવાર દ્વારા નગરપાલિકાને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ધાનેરા પાલિકા ફાયર વિભાગ તત્કાલિક ખેડૂતના ખેતરમાં પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, આગ લાગવાના કારણે ખેડૂતને મોટુ નુકસાન પહોંચ્યું છે.