બનાસકાંઠા જિલ્લાની હદમાં આર એન્ડ બી વિભાગનો રોડ જે કાંકરેજ તાલુકાને કાઠીયાવાડથી જોડતો માર્ગ છે. જયાં કાંકરેજના લોકોને પાટણ, હારીજ કે સમી તેમજ કાઠીયાવાડ જવા આવવા માટે મહત્વનો માર્ગ છે. જે માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. પરંતુ આ માર્ગની બંને સાઈડો સુરક્ષીત કરવી જરૂરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કાંકરેજના ટોટાણા પાસે ડિપમાં રોડની બન્ને સાઈડોમાં રોડ જમીન કરતા ઊંચો છે. જેથી આસપાસમાં ૧૦ થી ૨૦ ફૂટ જેટલુ નીચાણ જોવા મળે છે.
જેથી ભવિષ્યમાં કોઈ મોટી ખુવારી સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં સત્વરે રોડની બંન્ને સાઈડો સુરક્ષીત કરવા સાઈડોમાં ગડરો નાખવી જરૂરી બની ગઈ છે. આમ ચોમાસા દરમ્યાન વધુ વરસાદ પડે ત્યારે આ ડીપ પરથી પાણી વહેતું હોય છે. આ અગાઉ જ્યારે બનાસ નદીમાં પુર આવ્યું ત્યારે એક કાર પાણીમાં તણાઈ હતી જેમાં સવાર લોકો સાથે કાર તણાઈ જવાથી તેમના મોત થયા હતા તો સત્વરે સત્તાવાળાઓ આ માર્ગ અને મકાન વિભાગ આ બાબતની ગંભીરતા લઇ બન્ને સાઈડો સુરક્ષીત કરાવે તેવું વિસ્તારનાં લોકો ઈચ્છી રહ્યા છે.