હિંમતનગરના ન્યુ મહાવીરનગર અને ગણેશ બંગ્લોઝ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરોએ ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તસ્કરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ ઘટના 25 જાન્યુઆરીની રાત્રિના સમયે બની હતી. તસ્કર ટોળકીએ ખેડ તસીયા રોડ પર આવેલા ન્યુ મહાવીરનગરમાં મકાન નંબર 183, 184 અને અન્ય એક મકાનના તાળા તોડ્યા હતા. આ ઉપરાંત, નજીકના ગણેશ બંગ્લોઝમાં પણ એક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું.ચોરી દરમિયાન, એક મકાનમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી, જ્યારે બીજા મકાનમાંથી ચાંદીના છડા અને રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હતી. ચોરાયેલા માલમત્તાની ચોક્કસ વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.ચોરીની રાત્રિના સીસીટીવી ફૂટેજમાં તસ્કરો ઘટનાસ્થળેથી જતા જોવા મળ્યા છે. આ ફૂટેજ પોલીસ માટે મહત્ત્વપૂર્ણ પુરાવા બની શકે છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ શરૂ કરી છે.આ વિસ્તારમાં ઉપરાછાપરી ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.

