કામગીરી ઝડપી પૂર્ણ કરવા માંગ ઉઠી: લાખણી તાલુકાના આગથળા થી ધાનેરા તાલુકાને જોડતા રસ્તાની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી બંધ થઈ જતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.આગથળા-ધાનેરા રોડ ત્રણ મીટર સિંગલપટ્ટી માંથી સાત મીટર પહોળો કરવાની સ્થાનિક લોકો માંગ ઉઠી હતી જેને ધ્યાને લઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા રોડ બનાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે ગુજરાત સરકાર દ્વારા આગથળા ધાનેરા રોડને ત્રણ મીટર માંથી સાત દિવસ હાઇવે બનાવવાની મંજૂર આપવામાં આવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં હસ્તે રોડનું ખાદ્યમુહર્ત કરવામાં આવ્યું હતુ.જે બાદ રોડની કામગીરી ચાલુ થઈ હતી.
જંગલ કટિંગ અને જમીન સમતલ જેવી કામગીરી એક મહિના જેટલા સમય સુધી કરવામાં આવ્યા બાદ પથ્થર અને મેન્ટલ પાથરી રોડની કામગીરી બંધ કરી દેવામાં આવતા છેલ્લા ત્રણ મહિનાથી બિસ્માર હાલતમાં પડેલા રસ્તા ઉપર જોખમી મુસાફરી કરવા લોકો મજબૂર બન્યાં છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ વર્ષથી રોડ બનાવવાની સ્થાનિક લોકોની માંગણી સામે સરકારે હાઇવે રોડ બનાવવાની મંજૂરી તો આપી પરંતુ ઢીલીનીતિ વાળી કામગીરી કરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્ટેટ રોડ ઓર્થોરીટીની કામગીરી સામે સવાલો..? આગથળા ધાનેરા રોડનું કામ દિવાળી બાદ બંધ રહેતા મેન્ટલ અને માટી વાળા રસ્તા ઉપર લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે જેમાં કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદારી કોની? આવા અનેક સવાલો અને સમસ્યા પાછળ કોની બેદરકારી છે એ બાબતે સ્ટેટ ઓર્થીરીટી ઉપરના અધિકારી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.