રોડ ઉપર ગેરકાયદેસર દબાણો અને પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો જવાબદાર: ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે જો મુખ્ય રોડની વાત કરીએ તો શહેરના સરદાર બાગથી સોની બજાર સુધીનો રોડ દબાણ ગ્રસ્ત બની ગયો છે. મુખ્ય માર્ગ કહી શકાય તેવા આ રોડ ઉપર મોટા ભાગની દુકાનો આવેલી છે. જો કે દુકાનદારો પોતાની દુકાનો આગળ જ લારીઓ તેમજ પાથરણા વાળાને ઉભા રાખી ભાડુ વસુલી રહ્યા છે.જેના લીધે રોડ સાંકડો બની ગયો છે. આ ઉપરાંત આ રોડ ઉપરના શોપિંગ સેન્ટરો જે પાલિકા દ્વારા બનાવાયા છે તે તમામ શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની કોઈ જ સુવિધા નથી. પરિણામે દુકાનદારો પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરતા હોઈ ટ્રાફિકની સમસ્યા વકરી છે. જેના લીધે દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.
વેપારી મથક ડીસા વિકાસની દિશા તરફ સતત હરણફાળ ભરી રહ્યું છે.વિકાસની સાથે વિસ્તાર પણ વધ્યો છે. તેમાંય ડીસા સીટી વિસ્તારની વાત કરીએ બજાર વિસ્તારમાં દિવસ દરમિયાન સર્જાતા ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે. જેનું મુખ્ય કારણ જોઈએ તો ડીસા બજાર વિસ્તારમાં મોટા ભાગના શોપિંગ સેન્ટરોની અંદર પાર્કિંગની કોઈ જ સુવિધા નથી. આ ઉપરાંત મુખ્ય બજારના મોટા ભાગના દુકાનદારો પોતાની દુકાન આગળ જ લારી ગલ્લા અને પાથરણા વાળાને જગ્યા ભાડે આપી ભાડુ વસુલ કરી રહ્યા છે. જેના લીધે મુખ્ય રોડ એક્દમ સાંકડો બની જતા ટ્રાફિક સમસ્યા વકરી છે ટ્રાફિકની રોજિંદી આ સમસ્યાના નિવારણ માટે પાલિકા તંત્ર કે પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.કારણ રોજિંદી આ ટ્રાફિક સમસ્યા માટે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી.
હાલમાં લગ્ન ગાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી બજારમાં ખરીદી અર્થે આવતા લોકોને વાહન લઇ પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે સાંકડા રોડના કારણે દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિકજામ થાય છે.જેમાં કલાકો સુધી વાહન ચાલકો અટવાઈ પડે છે પરંતુ આ રોજિંદી સમસ્યા માટે જવાબદાર કોણ ? તે યક્ષ પ્રશ્ન આજે પણ ઉભો છે. જોકે આજના સમયે પણ ડીસા નગર પાલિકાના આશીર્વાદથી ઠેરઠેર નિયમો નેવે મૂકી પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો ઉભા થઇ રહ્યા છે અને જો આજ સ્થિતિ રહી તો આગામી સમયમાં ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બનશે તેમ લાગી રહ્યું છે ત્યારે પાલિકા તંત્ર ટ્રાફિકની આ સમસ્યા બાબતે જાગૃત બની મુખ્ય માર્ગની દુકાનો આગળના દબાણો દૂર કરાવે તેમજ રોડ ખુલ્લો કરાવે તો ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે તેમ છે.