ગ્રીન ગુજરાત : વાર્ષિક 10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન, લુપ્ત થતી વનસ્પતિઓના સંવર્ધન પર ભાર
સીડ બેંક, મિસ્ટ ચેમ્બર અને આધુનિક ટેકનોલોજીથી વનીકરણ અભિયાનને નવી ગતિ મળશે
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે ગુજરાત રાજ્યની પ્રથમ અદ્યતન હાઇટેક નર્સરી ઉભી થવા જઈ રહી છે. આશરે 13 એકર વિસ્તારમાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે તૈયાર થનારી આ નર્સરી રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાબિત થવાની છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાસભર, રોગમુક્ત અને મજબૂત રોપાઓનું ઉત્પાદન કરી રાજ્યમાં ગ્રીન કવર વધારવાનો છે.
આ હાઇટેક નર્સરીમાં દર વર્ષે આશરે 10 લાખથી વધુ રોપાઓ તૈયાર કરવાની ક્ષમતા રહેશે. છોડના ગુણવત્તાયુક્ત વિકાસ માટે મિસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલી હાઉસ અને નેટ હાઉસ જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેના કારણે પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનો ઝડપી અને સુરક્ષિત વિકાસ શક્ય બનશે. નર્સરીમાં ખાસ કરીને લુપ્ત થતી વનસ્પતિ પ્રજાતિઓના સંવર્ધન પર ભાર મુકવામાં આવશે. અહીં સોઇલ-લેસ મીડિયા એટલે કે માટી વગરની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી દુર્લભ છોડના ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવશે.
પ્રોજેક્ટ અંતર્ગત સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ એરિયા પણ વિકસાવવામાં આવશે, જ્યાં દુર્લભ અને મૂલ્યવાન બીજનું વૈજ્ઞાનિક રીતે લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓ માટે નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર પણ કાર્યરત રહેશે, જ્યાં વનસ્પતિ અને પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.આ નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવશે તેમજ ઊંચી હાઇટ ધરાવતા મજબૂત રોપા તૈયાર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે, જેથી મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવી શકાય.
રાજ્ય સરકારની ગ્રીન પહેલ
ડીસાના ડાવસ ખાતે બનનારી હાઇટેક નર્સરી રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પહેલ ગણાશે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતમાં ગ્રીન કવર વધારવા, દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ અને વૈજ્ઞાનિક વનીકરણને પ્રોત્સાહન મળશે. ભવિષ્યમાં આ નર્સરી રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણાદાયી મોડેલ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


