પાટણ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા અંબાજી ના મહામેળામાં મહાસ્વચ્છતા અભિયાન હાથ ધરાયું; એકત્ર કરાયેલ પ્લાસ્ટિક બિસ્લેરી કંપનીને મોકલી આપવામાં આવ્યું; ભાદરવી પૂનમનો મહા મેળો સંપન્ન થયો છે ત્યારે સ્વચ્છતા ને લઈ આરાસુરી ટ્રસ્ટ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ કામગીરી કરી રહી છે ત્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં ચાલતા રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા અંબાજી મંદિરને કેન્દ્રમાં રાખીને ૫૦ કિલોમીટર સુધીના રસ્તાઓ પર મહાસ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સેવા યોજના એકમના કોઓર્ડીનેટર કમલેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી સંલગ્ન ૮૬ જેટલી કોલેજોના ૨૦૦૦ થી વધુ સ્વયંસેવકો જોડાઈ આ મહાસ્વચ્છતા અભિયાન હાથ ધરી રસ્તાઓ ચમકાવવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.
આ ઉપરાંત વિધાર્થીઓ દ્વારા સેવાકેમ્પોમાં ભોજન પીરસવાનું, પાણી પીવડાવવાનું, પગરખાં કેન્દ્રોમાં સેવા આપવી જેવા કામો કર્યા હતા. તેમજ વિધાર્થીઓની ટુકડી પાડી ૧૦૦ થી વધુ સેવા કેમ્પોમાં પ્લાસ્ટિક નહીં વાપરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ભગીરથ કાર્યમાં બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠા,અરવલ્લી,મહેસાણા જિલ્લાની ૮૬ જેટલી કોલેજોના સ્વયં સેવકો, આચાર્યો,પ્રોગ્રામ ઓફિસરોએ જોડાઈ આ અભિયાનને સફળ બનાવવાનું કાર્ય કર્યું હતું. તેમજ આ અભિયાન દરમિયાન રસ્તાઓ પરથી પસાર થતા પદયાત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓએ સ્વયંસેવકોની આ ઉત્તમ કામગીરીની પ્રશંસા કરી હતી. વધુમાં વાત કરીએ તો મેળો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે રાષ્ટ્રીય સેવા યોજના ના સ્વયંસેવકોએ પદયાત્રીઓને ઘરે થી ગ્લાસ અને ડીસ લઈને નીકળે તે માટે પણ આહવાન કર્યું હતું. મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ ઉપયોગ થયેલ પ્લાસ્ટિક એકત્ર કરી સ્વચ્છતા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


