વિદ્યાર્થીઓ તાલીમ,નડાબેટના સરહદ દર્શન અને રિટ્રીટ સમારંભ નિહાળશે; બનાસકાંઠા જિલ્લાના સુઈગામ સ્થિત બી.એસ.એફ, પોસ્ટ ખાતે ત્રણ દિવસીય તાલીમ કેમ્પના નવમા ચરણનો પ્રારંભ થયો.આ તાલીમ કેમ્પમાં સરકારી આઈ.ટી.આઇ કોલેજ, દાંતીવાડાના ૨૦ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પની શરૂઆત બી.એસ.એફ.નો ઇતિહાસ, તેની ભૂમિકા અને કાર્ય અંગે વિગતવાર માહિતીથી કરાઈ હતી. આ સાથે વિદ્યાર્થીઓને ત્રણ દિવસ દરમિયાન વિવિધ પડકારો સામે સામનો કેવી રીતે કરવો, શારીરિક તાલીમ, યોગ, અવરોધક માર્ગ (ઓબ્સ્ટેકલ)ને કેવી રીતે પાર કરવો, નકશાનો અભ્યાસ, નિશસ્ત્ર સામનો (UAC), શસ્ત્રોની તાલીમ, સર્વાઇવલ ટેકનિક અને રૂટ માર્ચ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે.
આ કાર્યક્રમમાં કેમ્પ ફાયર, સ્થાનિક દર્શનીય સ્થળોની મુલાકાત અને નડાબેટના સરહદ દર્શનની મુલાકાતનો સમાવેશ થાય છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત “રિટ્રીટ સમારંભ” જોશે. આ બૂટ કેમ્પનું આયોજન ભારત સરકારના વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી કરાયું છે.બૂટ કેમ્પ ન માત્ર ભાગ લેનારા વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળોના જીવનની એક ઝાંખી પ્રદાન કરે છે, પરંતુ સુરક્ષા દળો પ્રત્યે ફરજ, સ્નેહ અને સન્માનની ભાવનાનો પણ વિકાસ કરે છે.