વડગામ તાલુકાના બસુ ગામમાં પંદર દિવસ અગાઉ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા એક શ્રમિકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે કેસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલતા પતિને મોતને ઘાટ ઉતારી આત્મહત્યામાં ખપાવનાર પત્નીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.પાલનપુર તાલુકાના મૂળ સાસમ ગામના શ્રવણજી સરદારજી ઠાકોર બસુ ગામમાં ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. જેનો ગત 11મી ડિસેમ્બરે ગળે ટૂંપો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને છાપી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જોકે, શંકાસ્પદ મોતને લઈને પોલીસ તપાસમાં તેના માથાના ભાગે ઇજા તથા ગળે ટૂંપો આપતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી.પોલીસે 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકની પત્નીની કડક હાથે ઉલટ તપાસ કરતા પત્નીએ જ પતિની હત્યા કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે હત્યારી પત્નીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું ઇન્ચાર્જ એસ.પી. સુબોધ માનકરે જણાવ્યું હતું.
જોકે, પતિ-પત્ની વચ્ચે અવાર નવાર થતા ઝઘડાને લઈને પત્નીએ કંટાળીને આવેશમાં આવી જઈ પતિના માથાના ભાગે દાતરડું માર્યું હતું. બાદમાં ખાટલા ની દોરીથી ગળે ટુંપો આપી મારી દીધો હતો. ત્યારબાદ લોખંડની એંગલ પર લટકાવી આત્મહત્યા હોવાનું ચિત્ર ઉપસાવી પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આત્મ હત્યાના કેસને ઉકેલી લઈ હત્યા હોવાનું ફલિત કરી ખુદ હત્યારી પત્નીને જ જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.