સુઈગામ-નડાબેટ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાશે

સુઈગામ-નડાબેટ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે

ડીસા ખાતે જિલ્લા કક્ષાની રૂ.૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલનું ઈ-ખાતમુર્હુત

ધાનેરા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે; મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ૨૪ જુલાઈ ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના સીમાવર્તી સુઈગામ- નડાબેટ ખાતેથી રૂ. ૩૫૮.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાશે. જેમાં ૩૦૨.૬૯ કરોડના વિવિધ કાર્યોનું ખાતમુર્હુત તથા ૫૫.૬૮ કરોડના કાર્યોનું લોકાર્પણ કરાશે. આ વિકાસ કાર્યો થકી બનાસકાંઠાની વિકાસ ગતિને નવી રાહ મળશે. આરોગ્ય, શિક્ષણ, એનર્જી, રોડ- રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત નાગરિકોના જીવન ધોરણને ઉંચુ લાવવા મદદરુપ બનશે.

સરહદ પર સંકલ્પનો સૂર્યોદય નેમ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરહદી વિસ્તાર નડાબેટ ખાતેથી ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે તથા ૧૧ નવીન બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. તેઓ ડીસા ખાતે ૬.૪૩ કરોડના ખર્ચે નવીન આધુનિક વર્કશોપનું ખાતમુહુર્ત કરશે.

અવિરત અને ગુણવત્તાયુક્ત વીજપુરવઠો નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ. ૪૦.૭૭ કરોડના વીજ સબ સ્ટેશનોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરશે. પાલનપુર, ડીસા, થરાદ, લાખણી તાલુકાઓમાં વીજ સબ સ્ટેશન બનવાથી નાગરિકોને ૨૪ કલાક વીજળી મળી રહેશે.

મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ રૂ.૮૭.૧૮ કરોડના ખર્ચે આરોગ્યને લગતા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં ડીસા ખાતે જિલ્લા કક્ષાની રૂ. ૮૦ કરોડના ખર્ચે  સિવિલ હોસ્પિટલનું નિમાર્ણ થશે. જયારે થરાદ તાલુકામાં ૦૬ પેટા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થશે. જયારે દિયોદર ખાતે આરોગ્ય કેન્દ્ર અને પાલનપુર ખાતે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તેઓ ધાનેરા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું પણ લોકાપર્ણ કરશે.

રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે મોડલ ફાયર સ્ટેશન બનાવવા રૂ. ૯.૫૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહુર્ત કરાશે. ડીસા ખાતે ૧૮.૫૬ કરોડના ખર્ચે ટાઉન હોલનું નિમાર્ણ થશે. જયારે ૯.૨૪ કરોડના ખર્ચે ૫૦ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે જેનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુર્હુત કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડેશ્વરી માતાના દર્શન કરશે તથા નડાબેટ BOP ખાતે બી.એસ.એફ જવાનો સાથે સંવાદ કરશે. તાજેતરમાં જ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ બી.એસ.એફ જવાનોએ ખડેપગે રહીને આપણા દેશની સીમાઓ સુરક્ષિત કરી છે ત્યારે દેશની સુરક્ષા માટે સતત પરિશ્રમ કરતા જવાનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સંવાદ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *