પોલીસે રૂ.11 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો: પાલનપુરના મોટીબજારમાં નાણાં ધીરધારનો ધંધો કરતા વૃદ્ધ વેપારીને ઘરે જતા લૂંટી લેવાયો હતો. જે કેસમાં પોલીસે ગણતરી ના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલતા આરોપીને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના મોટી બજારમાં નાણાં ધીરધારનો ધંધો કરતા અશોક ભાઈ શાહ ગત 7 મી જાન્યુઆરી એ સાંજે 7 વાગ્યાના સુમારે પોતાની દુકાનેથી ઘેર જવા નીકળ્યા હતા. દુકાનમાંથી રોકડ રકમ અને ધીરધાર કરેલા સોના- ચાંદીના દાગીના ભરેલી બેગ લઈ પોતાના એક્ટિવા પર તેઓ ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન, પોતાના ઘર પાસે અંબિકા નગર ઇદગાહ રોડ પર આવેલ ગવર્નમેન્ટ સોસાયટી આગળ પોતાનું એક્ટિવા પાર્ક કરતા હતા. ત્યારે એક અજાણ્યો બુકાનીધારી ઇસમ તેઓના હાથમાં રહેલી સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ ઝૂંટવી ભાગી ગયો હતો.
વૃદ્ધ વેપારીની રૂ.11 લાખની મત્તા ભરેલી બેગની લૂંટ થતા પોલીસે 200 જેટલા સીસીટીવી ફૂટેજ ખંગાળીને લૂંટારુનું પગેરું મેળવી તેને દબોચી લીધો હતો. પોલીસે પાલનપુરના નવા ડાયરા વિસ્તાર માં રહેતા આરોપી શરીફભાઈ જમાલભાઈ શેખને ઝડપી લઈ તેઓની પાસેથી રૂ.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું. જોકે, ગણતરીના કલાકોમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી દર દાગીના પરત અપાવતા ફરિયાદીએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.