મેળા માં હકડેઠઠ જનમેદની ઉમટી પડતા નાનકડા ગામમાં માઇભક્તો નું કીડીયારું ઉભરાયું
મેળામાં મોટા ચકડોળો અને ૩૦૦ થી વધુ સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બન્યા | લાખો રૂપિયા ની મેળામાં ખરીદી થઈ
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા થી પાંચ કિલોમીટરના અંતરે આવેલા કુપટ ગામમાં આવેલ શિતળા માતાજીનું સ્થાનક પંથકમાં અનેરૂ મહત્વ ધરાવે છે તેથી અહીં શ્રદ્ધાળુ ભાઈ-બહેનો વર્ષ દરમિયાન સતત માતાજીની માનતા બાધા-આખડી પૂરી કરવા આવતા હોય છે. પરંતુ ફાગણ વદ સાતમના ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો દૂર-દૂરથી બાધા-આખડી અને દર્શન કરવા આવતા કુપટ ગામ માનવ મહેરામણ થી ઊભરાઇ ગયું હતું.
કુપટ ગામ માં આવેલ શીતળા માતાજી નું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. અહીં માતાજી સાક્ષાત હાજર હોવાના દાખલાઓ અને ચમત્કારો રહેલા છે. જેથી સમગ્ર પંથકના લોકોને માતાજી પ્રત્યે ખુબ જ શ્રધ્ધા અને આસ્થા રહેલી છે સાથે ફાગણ વદ સાતમનો ભરાતો લોકમેળા ની પણ આ પંથકમાં આગવી ઓળખ છે. મેળામાં ભજીયાના સ્ટોલ, શૃંગારના સ્ટોલ, શરબત કુલ્ફીના સ્ટોલ, મોટા પ્રમાણમાં ગોઠવાયા હતા આ ઉપરાંત મેળામાં શેરડીના ભારાઓ નો ખડકલો થયો હતો સાથે મનોરંજન માટે પણ મોટા મોટા ચગડોળો, નાના બાળકો માટે ના વિવિધ રમતોના સાધનો પણ મેળાનું આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા આ ઉપરાંત મેળામાં માતાજીની ફૂલ પાંખડી શ્રીફળ અને પ્રસાદ વેચનારા ઓની પણ સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી ત્યારે મેળા ને મહાલવા ઉમટી પડેલા લોકોએ મેળામાં ૩૦૦ થી વધુ લગાવેલા સ્ટોલો પરથી વિવિધ ચીજ વસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી થઇ હતી.
માતાજીની માનતા અને બાધા રાખતા લોકો મોટી સંખ્યામાં આવે છે; શીતળા માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા અને આસ્થાને લઇ સમગ્ર આજુબાજુના ગામોના લોકો તેમના બાળકો માં ઓરી અછબડા જેવા રોગો ના રક્ષણ સામે માતાજીની માનતા રાખતા હોય છે આ ઉપરાંત આંખો ના રોગ તથા શરીરનાં અન્ય રોગો ને લઇ આજના ટેકનોલોજી યુગમાં પણ માતાજીની અપાર શ્રદ્ધાને લઇ બાધા અને માનતા રાખતો હોય છે જે શિતળા સાતમ ને દિવસે માનતા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી.
હજારો ભાવિકોએ ભાગ લઈ શીતળા માતાના દર્શન કરવા સાથે મેળાની પણ મજા માણી હતી; શીતળા માતાના મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે. વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી ડીસામાં પણ અનોખા અંદાજમાં થતી હતી. શીતળા સાતમના એક દિવસ અગાઉ આવતા રાંધણ છટ્ટના તહેવારના દિવસે લોકો તેમના ઘરમાં રસોઈ બનાવતા અને શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા રાખી કૂપટના મેળામાં જતા હતા. મેળામાં પહોંચ્યા બાદ શીતળા સાતમના દર્શન કરીને લોકો પીકનીક સ્વરૂપે વન ભોજનનો આનંદ માણતા હતા. વર્ષોથી યોજાતા આ ભવ્ય લોકમેળાનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે.