રોહિત શર્મા માટે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમવી મુશ્કેલ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો
ન્યુઝીલેન્ડ સામેની ક્લીન સ્વીપ હાર બાદ હવે ટીમ ઈન્ડિયાનો આગામી પડકાર ઓસ્ટ્રેલિયા પ્રવાસનો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેની પ્રથમ મેચ 22 નવેમ્બરથી શરૂ થશે. જો કે, આ સીરીઝ પહેલા મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની કમાન કોણ સંભાળશે કારણ કે રોહિત શર્મા માટે પ્રથમ ટેસ્ટ મેચ રમવી મુશ્કેલ છે. રોહિત અંગત કારણોસર પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહી શકે છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને માનવામાં આવે છે કે તે ટીમની કમાન સંભાળશે. પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે ટીમની કમાન ઋષભ પંતને સોંપવી જોઈએ. મોહમ્મદ કૈફે કહ્યું કે વર્તમાન ટીમમાંથી માત્ર ઋષભ પંત જ ટેસ્ટ કેપ્ટનશિપ માટે મોટો દાવેદાર છે. પંત ગમે તે નંબર પર રમવા આવે, તે હંમેશા મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કરે છે.
તેણે ભારતની ટર્નિંગ પીચ પર પણ રન બનાવ્યા છે. કૈફે પંતને સંપૂર્ણ બેટ્સમેન ગણાવ્યો હતો. કૈફે ઋષભ પંતને ટેસ્ટ કેપ્ટન બનાવવાની વાત કરી હતી પરંતુ તેણે તેનું સાચું કારણ જણાવ્યું નથી. જોકે, પંત પહેલા બુમરાહ સુકાની બનવાની રેસમાં આગળ હોવાનું જણાય છે. આ જ કારણ છે કે આ પ્રવાસ માટે બુમરાહને પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બુમરાહે એક ટેસ્ટમાં ટીમની કમાન પણ સંભાળી છે. જો રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમે તો બુમરાહ કેપ્ટન્સી સંભાળતો જોવા મળી શકે છે.
જોકે, કૈફ કંઈક બીજું જ માને છે. કૈફે કહ્યું કે જ્યારે પંત તેની છેલ્લી ટેસ્ટ મેચ રમશે ત્યારે તે લિજેન્ડ તરીકે નિવૃત્તિ લેશે. તેની વિકેટકીપિંગમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. કૈફે કહ્યું કે જ્યાં સુધી પંત ક્રિઝ પર હતો ત્યાં સુધી ન્યૂઝીલેન્ડને રાહતનો શ્વાસ નહોતો મળી રહ્યો. કૈફના મતે, જો તમે ભવિષ્યના કેપ્ટનની શોધમાં હોવ તો પંતથી સારો વિકલ્પ બીજો કોઈ નથી.