420 થી વધુ દુકાનોનો વેરો બાકી તેમ છતાં માત્ર ત્રણ દુકાનો સીલ કરાઇ
38 લાખના બાકી કર સામે પાલિકા દ્વારા માત્ર 20 હજારની વસુલાત; પાલનપુરના ન્યુ બસ પોર્ટમાં આવેલી દુકાનોનો લાખો રૂપિયાનો કર નગરપાલિકાના ચોપડે બાકી બોલતો હોઇ મોડે મોડે જાગેલ પાલિકા તંત્રે બસ પોર્ટમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં માત્ર ત્રણ દુકાનો સિલ કરી 20 હજારની વસુલાત કરી ગણતરીના કલાકોમાં વેરા વસૂલાત ઝુંબેશ સમેટી લીધી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
પાલનપુરના ચાર માળ વાળા ન્યુ બસ પોર્ટમાં અલગ અલગ પાર્ટમાં 786 દુકાનો આવેલી છે. જે દુકાનો નગરપાલિકાના રેકર્ડ પર વિભાગીય એસટી કચેરી પાલનપુરના નામે ચાલી રહી હોઇ આ દુકાનદારોને પાલિકાની વેરા પાવતી મળતી ન હોવાથી 786 માંથી 420 જેટલી દુકાનોનો 38 લાખ જેટલો વેરો પાલિકાના ચોપડે બાકી બોલી રહ્યો છે. જોકે બસ પોર્ટની દુકાનોની મોટી રકમનો કર બાકી હોવા અંગે રજૂઆતો થતા આખરે મોડે મોડે જાગેલી પાલિકા દ્વારા મંગળવારે બસ પોર્ટમાં વેરા વસૂલાત ઝુંબેશનું નાટક ભજવાયું હતું જેમાં 420 જેટલી દુકાનોનો વેરો બાકી હોવા છતાં માત્ર ત્રણ દુકાનો સિલ કરીને લાખો રૂપિયાના બાકી માંગણા સામે માત્ર 20 હજારની મામૂલી રકમની વસુલાત કરીને પાલિકાની ટીમ દ્વારા સંતોષ માનવામાં આવ્યો હતો. જોકે પાલિકા દ્વારા કડક વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવે તો પાલિકાની તિજોરીને આર્થિક ફાયદો થઇ શકે છે.તેમ લોકોએ જણાવ્યું હતું.