મકાન પર લોન લેવા માટે જરૂરી દાખલા આપવા માટે માંગી હતી લાંચ; ભ્રષ્ટાચાર જાણે શિસ્ટાચાર બની ગયો હોય તેમ સરકારી કચેરીઓ માં લાંચ આપ્યા સિવાય લગભગ કામ થતા ન હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની મહિલા તલાટી રૂ.4000 ની લાંચ લેતા એસીબી ના છટકામાં રંગે હાથ ઝડપાઇ ગઈ હતી.
એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ, આ કામના ફરીયાદીના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હતી. જે લોન સારુ ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુરશીમાના દાખલાની જરૂરિયાત હોઈ ફરિયાદીએ આક્ષેપિત ટાકરવાડા ગામના ત.ક.મંત્રી મીનાબેન પરમાર પાસે ગયા હતા. જોકે, દાખલો આપવાની અવેજ પેટે આક્ષેપીત મહિલા તલતીએ રૂપિયા ૪૦૦૦/- ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી.
જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોઈ ફરીયાદી એ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. દરમ્યાન આ કામના આરોપી મીનાબેન લવજીભાઈ પરમાર, હોદ્દો-તલાટી કમ મંત્રી ટાકરવાડા ગ્રામ પંચાયત, વર્ગ-૩, ના ઓએ ફરિયાદી સાથે ટાકરવાડા ગ્રામ પંચાયત ખાતે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ જતા એસીબીએ લાંચની રકમ રિકવર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

