ડીસાના ટેટોડા નજીક ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ
શંકાસ્પદ ઘીનો 100 કિલો ઉપરાંતનો જથ્થો સીઝ : બનાસ ઘી નામે ડુપ્લીકેટિંગ થતું હોવાનું અનુમાન
બનાસકાંઠા જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વધુ એક સફળ ઓપરેશન કરી ઘી બનાવતી ફેકટરી ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા એસઓજી પોલીસને ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઘણા સમયથી ધમધમતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસની ટીમે વહેલી સવારે ટેટોડા ગામ નજીક આવેલા એક ખેતરમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને ફેક્ટરી પર આકસ્મિક રેડ કરી હતી. રેડ દરમિયાન, ટીમે ફેક્ટરીમાંથી અંદાજિત 100 કિલો ઉપરાંતનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેની સાથે બનાસ ઘીના સિમ્બોલવાળા ડબ્બા પણ મળી આવ્યા હતા.
આ તમામ જથ્થો અને ફેક્ટરીમાં ઉપયોગમાં લેવાયેલો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી પોલીસ દ્વારા આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.જેમાં પોલીસે ખેતર માલિક રામજીભાઈ ચૌધરીની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં આ શંકાસ્પદ ઘીની ફેક્ટરી લાંબા સમયથી કાર્યરત હોવા છતાં જિલ્લાનું ફૂડ વિભાગ આ બાબતથી અજાણ હતું કે પછી ‘ઊંઘતું’ ઝડપાયું હતું ? એસઓજીની આ કાર્યવાહીથી ફૂડ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો પેદા થયા છે.
ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાશે….
ફેકટરીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ ઘીના સેમ્પલ હવે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે, જેનાથી તેની ગુણવત્તા અને તેમાં વપરાયેલા પદાર્થોની ચોક્કસ વિગત સામે આવશે. આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અને અન્ય મુદ્દામાલની વધુ વિગતો પણ આવનારા સમયમાં જાહેર થવાની સંભાવના છે.ત્યારે એસઓજી પોલીસ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર ફેક્ટરીને ઝડપી પાડીને ઉમદા કામગીરી કરવામાં આવી છે.

