સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. હિંમતનગર એલસીબી એ બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 12.51 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા ઈડરમાં કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીક બેંક કર્મચારી પાસેથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો 15 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લૂંટીને ભાગી ગયા હતા.
સાબરકાંઠા એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયા અને પીએસઆઈ ડી.સી.પરમારની ટીમે તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે હિંમતનગરના ઇલોલ પાસેથી બે આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા આરોપીઓમાં ઈડર તાલુકાના ચિત્રોડી ગામના કિરણકુમાર નટવરભાઈ ચેનવા અને રાહુલકુમાર બાબુભાઈ વણઝારાનો સમાવેશ થાય છે. આ લૂંટની યોજના બનાવનાર વિવેક મનીષ શાહ (રહે.ઈલોલ) હજુ ફરાર છે.
પૂછપરછમાં જાણવા મળ્યું કે લૂંટ બાદ આરોપીઓએ ગાંધીનગર અને અમદાવાદ જવા ઈકો કાર ભાડે કરી હતી. ત્યારબાદ આલીશાન કાર ભાડે લઈને વિજાપુર, મહેસાણા સહિતના સ્થળોએ લૂંટની રકમમાંથી મોજશોખ કર્યા. પોલીસે આરોપીઓ પાસેથી 11.86 લાખ રોકડ, 50 હજારનું બાઈક, 15 હજારનો મોબાઈલ અને 50 રૂપિયાની સ્કૂલ બેગ સહિત કુલ 12.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરાર આરોપી વિવેક શાહને પકડવા માટે તપાસ તેજ બનાવી છે.