નિયમોના ઉલ્લંઘન બદલ આ 33 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ‘નો એડમિશન ઝોન’માં મુકાઈ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 33 સેલ્ફફાઇનાન્સ કોલેજો સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. નિયમોની અવગણના અને વહીવટી અનિયમિત તાઓને કારણે આ કોલેજોને ‘નો એડમિશન ઝોન’માં મૂકવામાં આવી છે. અને આ મામલે કુલપતિની અધ્યક્ષતામાં બે દિવસીય રૂબરૂ સુનાવણી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટીના નીતિ-નિયમો, ખાસ કરીને પ્રવેશ પ્રક્રિયા અને અન્ય વહીવટી જોગવાઈઓનું પાલન ન કરવા બદલ આ કોલેજો સામે પગલાં લેવાયા છે.
યુનિવર્સિટી દ્વારા અગાઉ ત્રણથી પાંચ વખત પરિપત્રો અને નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ કોલેજો તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો ન હતો.અને યુનિવર્સિટીના પોર્ટલ પર પણ જરૂરી માહિતી અપડેટ કરવામાં આવી ન હતી.આ ગંભીર બેદરકારીને પગલે યુનિવર્સિટી સત્તાધીશોએ કોલેજોને ‘નો એડમિશન ઝોન’માં મૂકી છે. તેમના જોડાણ (એફિલિયેશન) અંગે ખુલાસો કરવા માટે પાટણ યુનિવર્સિટી ખાતે બે દિવસીય સુનાવણીનું આયોજન કરાયું છે. કુલપતિ ડો. કિશોર પોરીયા અને રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈની ઉપસ્થિતિમાં આ સુનાવણી શરૂ થઈ છે, જેમાં કોલેજ સંચાલકોને રૂબરૂ સાંભળવામાં આવી રહ્યા છે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, કેટલીક કોલેજો વર્ષોથી પ્રવેશ પ્રક્રિયા કરતી નથી અને વારંવારના ફોલોઅપ છતાં જવાબ આપતી નથી. વહીવટી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણી કોલેજોમાં નોંધાયેલા ટ્રસ્ટીઓ અને આચાર્યો હવે હોદ્દા પર નથી, પરંતુ યુનિવર્સિટીના રેકોર્ડમાં કોઈ સુધારા થયા નથી. આ ગેરરીતિઓ અને સંકલનના અભાવે અનેક પ્રશ્નો ઊભા થયા છે. કુલપતિ ડો. કે.સી. પોરીયાએ સ્પષ્ટતા કરી હતી કે, જે કોલેજો પોર્ટલ પર માહિતી આપવામાં છ વખત નિષ્ફળ રહી છે. અને ટેલિફોનિક સંપર્ક દરમિયાન પણ સંતોષકારક વિગતો પૂરી પાડતી નથી, તેમની સામે સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કડક પગલાં લેવાશે. બે દિવસીય સુનાવણીના અહેવાલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓમાં શિસ્ત અને નિયમોનું પાલન થાય તે હેતુથી આ સુનાવણી હાથ ધરવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

