અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો
બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર હાલમાં રખડતા ગૌવંશની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે, જેના કારણે ટ્રાફિક અવરોધ, અકસ્માતો અને જાનહાનિના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. આ સ્થિતિ શહેરના નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે મોટો ખતરો બની રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાના મૂળ કારણો, તેના અજાણ્યા પાસાઓ અને કાયમી ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી છે.જો કે આમ જોઈએ તો આ સમસ્યાનું મૂળ એ છે કે આ રખડતા ગૌવંશનો મોટો ભાગ એવા પશુપાલકોનો છે, જે દૂધ દોહ્યા પછી તેમને બેફામ રીતે જાહેરમાં છોડી દે છે.આ ઉપરાંત જાહેરમાં ઘાસ વેચાણ એ પુણ્ય કે અજાણ્યું પાપ ? ડીસા સહિત સમગ્ર રાજ્યમાં લોકો પુણ્ય કમાવવાના શુભ આશયથી રસ્તા પર ઘાસ ખરીદીને ગૌવંશને ખવડાવે છે.
cattle problem
આ પ્રથા પશુ માલિકોને મફતમાં લાભ કરાવે છે ઘાસ લોકોના પૈસે ખરીદાય છે અને દૂધ વેચીને થતી આવક પશુપાલકોને મળે છે.પરિણામે આ મફત ચારાને કારણે જે પશુપાલક પહેલાં બે ગાય રાખતો હતો, તે આજે ૨૦-૫૦ સુધી ગાયો રાખતો થયો છે. આનાથી શહેર પર ભારણ વધ્યું છે, જ્યારે સાચા અર્થમાં ગૌસેવા કરતા ખેતર અને તબેલા ધરાવતા પશુપાલકો મોંઘી ગાયો ખરીદવાથી વંચિત રહે છે.આમ જોઈએ તો રસ્તા પર ઘાસ ખવડાવવું એ પુણ્ય નહીં, પરંતુ ગૌવંશની સમસ્યાને બેફામ રીતે વધારતું એક અજાણ્યું પાપ છે.આ ઉપરાંત અન્ય કારણો જોઈએ તો શહેરીકરણના કારણે તબેલા કે ચરાણ માટે જગ્યા ન હોવાથી ગૌવંશને રોડ પર છોડી દેવામાં આવે છે.જેથી કાયમી બની ગયેલી આ સમસ્યાથી આમ પ્રજા તોબા પોકારી ઉઠી છે.
સહિયારા પ્રયાસો જરૂરી…
આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે જાહેરમાં ઘાસ વેચાણ પર પ્રતિબંધ જરૂરી છે. એનાથી રોડ પર રખડતા ગૌવંશ બંધ થશે અને જવાબદાર પશુપાલકો તેમને યોગ્ય રીતે સેવા આપી શકશે.નાગરિકોએ પણ ગૌશાળા કે પાંજરાપોળમાં જઈને જ ઘાસ ખવડાવવું કે દાન આપવું જોઈએ.એ સિવાય પાલિકા દ્વારા રખડતા ગૌવંશને પકડીને તાત્કાલિક ગૌશાળામાં સોંપવા જરૂરી છે અને શહેરની જરૂરિયાત મુજબ પાલિકા સંચાલિત ગૌશાળા ઊભી કરવી જોઈએ.તેનાથી ગૌવંશને યોગ્ય આશ્રય પણ મળી રહેશે.


