શ્રીલંકાએ ફરી એકવાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને માહિતી આપી છે કે શ્રીલંકાએ રામેશ્વરમમાંથી 17 માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે માછીમારોની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે. સીએમ એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને માછીમારોને મુક્ત કરવા અને તેમની બોટોને મુક્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.
સીએમ એમકે સ્ટાલિને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે 24 ડિસેમ્બર, 2024ના રોજ શ્રીલંકન નેવીએ રામેશ્વરમથી 17 માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે સીએમ સ્ટાલિને વિદેશ મંત્રી એસ જયશંકરને નાગાપટ્ટનમ જિલ્લામાં 6 અજાણ્યા શ્રીલંકાના નાગરિકો દ્વારા 20 ડિસેમ્બરે કોડિયાક્કરાઈના રહેવાસી માછીમારો પર હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ વિશે પણ માહિતી આપી છે. સ્ટાલિને કહ્યું- આ ઘટનાઓમાં બે બોટમાં સવાર છમાંથી ત્રણ માછીમારો ઘાયલ થયા છે. હુમલાખોરોએ તેમની ફિશિંગ બોટમાંથી જીપીએસ સાધનો, વીએચએફ સાધનો, ફિશિંગ નેટ, મોબાઈલ ફોન અને માછલીના કેચની લૂંટ કરી હતી.