રૂ. 13 લાખની દવાના જથ્થા સાથે નો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી
પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોકટરો સામે પાટણ જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પોલીસ તંત્ર અવાર નવાર કાર્યવાહી હાથ ધરી આવા બોગસ ડોકટરો સામે પગલા ભરવામાં આવતાં હોય છે. ત્યારે ગતરોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોડા ગામે ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતાં બોગસ તબીબને પાટણ એસઓજી ટીમે ઝડપી ક્લિનિક માંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લાના સાતલપુરના કોરડા ગામે શ્રી પંચાણીયા ગોગા ક્લિનિક નામથી દવાખાનુ ધરાવતો સુરેશ પાંચાભાઇ ઠાકોર છેલ્લા ઘણા સમયથી પોતે કોઈ પણ જાતની તબીબી ડીગ્રી ધરાવતો ન હોવા છતાં માત્ર અનુભવ ના આધારે બીમાર વ્યક્તિઓની સારવાર કરી તેમને એલોપીથી દવાઓ પણ આપતો હતો. આ બાબતે પાટણ જિલ્લા પોલીસની એસઓજી ટીમને બાતમી મળતા તપાસ કરતા કોરડા ગામે શ્રી પંચાણીયા ગોગા ક્લિનિક પર તપાસ કરતા ક્લિનિક ઉપર ડો.ગૌતમ પંચાલ બીએચએમએસ, ડો. કનુભાઈ ચૌધરી એમબીબીએસ વીઝીટીંગ તેમજ ડો. સુરેશ ઠાકોરના નામનું બોર્ડ મારેલું હતું. જેમાં ક્લિનિકમાં સુરેશ ઠાકોર કોઈપણ જાતની ડીગ્રી વગર માત્ર અનુમાન અને અનુભવના આધારે દર્દીઓનું મૃત્યુ નીપજી શકે તેવી શક્યતા હોવાનું જાણતો હોવા છતાં બીમાર વ્યક્તિઓની સારવાર કરતો મળી આવ્યો હતો.
એસઓજી પોલીસે તરત જ આ બાબતે બોરુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને બોલાવી તપાસ કરતા સુરેશ ઠાકોરના ક્લિનિકમાંથી રૂ.13,98,952ની કિંમતની એલોપેથી દવાઓ તેમજ દવાખાનાના સાધનો મળી આવતા તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તેમજ તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ વારાહી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.