સાબરકાંઠા SOG એ હિંમતનગર વિસ્તારમાંથી નશાકારક કફ સિરપ કોડીનની 176 બોટલ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 33,440 આંકવામાં આવી છે.SOG PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PSI પી.એમ. ઝાલા અને તેમનો સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે હિંમતનગર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી.
બાતમી મુજબ, હિંમતનગર બસ સ્ટેશન સામે શક્તિ હોટલ નજીક મોચીવાસમાં જવાના રોડ પર એક ઇસમ કાળા રંગની થેલીમાં કફ સિરપની બોટલો સાથે ઊભો હતો. SOG ટીમે ત્યાં જઈને તપાસ કરતા હિંમતનગરના મોચીવાસમાં રહેતા કરુણ ઉર્ફે કરણ રામજીભાઈ પરમાર (ઉં.વ. 18 વર્ષ 2 માસ) પાસેથી લેબલ વગરની 11 કફ સિરપની બોટલો મળી આવી હતી.
કરુણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ કફ સિરપ તે હિંમતનગર બસ સ્ટેશન સામે, મોચીવાસમાં રહેતા દર્શનકુમાર ભરતભાઈ પરમારના ઘરેથી લાવ્યો હતો. દર્શન પરમાર આ સિરપ હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં તુલસી ફ્લેટમાં રહેતા નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ પાસેથી લાવ્યો હતો.SOG ટીમે કરુણને સાથે રાખી દર્શનકુમાર પરમારના ઘરે તપાસ કરતા ત્યાંથી લેબલ વગરની 17 કફ સિરપની બોટલો મળી આવી હતી. ત્યારબાદ, 40 વર્ષીય નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિના ઘરેથી ‘TRIPROLIDDINE HYDROCHLORIDE & PHOSPHATE SYRUP’ ના લેબલવાળી 148 કફ સિરપની બોટલો મળી હતી.
આમ, SOG ટીમે કુલ 176 નંગ કફ સિરપની બોટલો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂ. 33,440 થાય છે. SOG એ તમામ મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા બે અને ફરાર એક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

