બનાસકાંઠા જિલ્લાના ભીલડી વિસ્તારના નાના કાપરા ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય મળી કુલ રૂ.98,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા કડક અમલવારી કરવા સૂચના આપી હતી. આ સૂચના અનુસાર એલસીબી સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે નાના કાપરા ગામમાં આવેલા એક મંદિરના ખુલ્લા ચોકમાં મંદિરના લાઈટના અજવાળે કેટલાક શખ્સો ભેગા મળી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. દરોડા દરમિયાન પોલીસે 6 શખ્સોને પકડી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.58,930 તેમજ ગંજીપાના અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ.98,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે નાસી છૂટેલા આરોપીને પકડવા માટે પણ કાર્યવાહી શરૂ કરી છે.

