બનાસકાંઠા જિલ્લાના હજજારો મતદાતાઓના નામ ખોટી રીતે રદ્દ કરવાનું ભાજપ તેમજ ચૂંટણી તંત્રનું કાવતરું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
ત્રાહિત વ્યક્તિઓ પાસે ફોર્મ નંબર 7 ભરાવી હજજારોની સંખ્યામાં એસ.સી,એસ.ટી.,લઘુમતી સમુદાયના મતદારોના નામ સામે વાંધા અરજીઓ દાખલ કરતાં કોંગ્રેસ લાલઘૂમ
ગુજરાત રાજ્યમાં ચૂંટણી તંત્ર દ્વારા હાલ SIR ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં લાખ્ખો મતદાતાઓના નામ ખોટી વાંધા અરજીઓ કરી રદ્દ કરવામાં આવી રહ્યા હોવાના આરોપો સાથે આજે કોંગ્રેસે રાજ્યભરમાં જિલ્લા કલેકટરોને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે આજે પાલનપુરમાં SIR (Systematic Electoral Roll Revision) પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી ન કરવા રજૂઆત કરી હતી.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી SIR ની કામગીરીમાં જે મતદાતાઓએ હજુ સુધી પોતાના આધાર પુરાવા રજૂ નથી કર્યા તેવા મતદાતાઓના નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં કોંગ્રેસનો આરોપ છે કે, SIR પ્રક્રિયા અંતર્ગત નમૂના 7ના ફોર્મ ખોટી રીતે ભરીને નાગરિકોના મતાધિકાર છીનવી લેવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમણે ભાજપ પર આ ષડયંત્ર રચવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. બનાસકાંઠા કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા માંગ કરાઇ છે કે, આ ષડયંત્ર બંધ કરવામાં આવે અને સાચા મતદારોના નામ દૂર ન કરવામાં આવે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આજે કોંગ્રેસ આગેવાનો – કાર્યકરો મોટી સંખ્યામાં કલેકટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને લેખિત તેમજ મોખિક રજૂઆત કરતા જિલ્લા કલેકટરે નિયમ અનુસાર જ કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું હતું.
ભાજપના માણસો જ ત્રાહિત વ્યક્તિના નામે ફોર્મ નંબર 7 ભરી કોંગ્રેસી વોટર્સના નામ કમી કરાવી રહ્યા છે : કાંતિ ખરાડી, દાંતા, ધારાસભ્ય
આ અંગે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપના માણસો ખોટા માણસોના નામે જાતે જ ફોર્મ નંબર 7 ભરી કોંગ્રેસની વિચારધારામાં માનતા મતદારોના નામનો વાંધો રજૂ કરી નામ કમી કરવાનો ખેલ ખેલી રહ્યા છે, જે ખૂબ જ શરમજનક બાબત છે, આવું હળાહળ ખોટું અમેં ચલાવી લેવાના નથી, જરૂર પડશે તો વધુ આક્રમક વલણ અપનાવીશું,તેમ તેમણે ઉમેર્યું હતું.
જરૂર પડશે તો કલેકટર કચેરીનો ઘેરાવો કરતાં પણ ખચકાઈશું નહિ : ગુલાબસિંહ રાજપૂત
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે, આજે અમે કલેકટરને રજૂઆત કરી ખોટી રીતે રજૂ થયેલ વાંધા અરજીઓ સામે વાંધો ઉઠાવ્યો છે, કલેકટરે ખોટું નહિ થાય તેવી બાંહેધરી પણ આપી છે, પણ બનાસકાંઠા જિલ્લામાં એકપણ સાચા મતદાતાનું નામ ખોટી રીતે વાંધા અરજીઓ કરી રદ્દ કરવામાં આવશે તો આજે તો અમે માત્ર પ્રતીક સ્વરૂપે આટલા માણસો આવ્યા છીએ પણ જરૂર પડે મોટી સંખ્યામાં આવી કલેકટર કચેરીનો ઘેરાવો કરતાં પણ ખચકાઇશું નહિ, તેમ તેમણે ઉમેર્યું હતું..


