સિદ્ધપુર નજીક ખળી ચારરસ્તા પાસે રાત્રિના સમયે એક હોન્ડા સિટી કારે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર વડનગરના બે યુવકોને નાની-મોટી ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતની મળતી માહિતી મુજબ ગત રાત્રે ખળી ચારરસ્તાથી પાટણ તરફ જતા હાઈવે પર વડનગરના રહેવાસી શૈલેષજી ઠાકોર અને તેમના મિત્ર મહેન્દ્રસિંહ મગજની દવા લેવા માટે બાઈક પર પાટણ જઈ રહ્યા હતા.યુવકો હાઈવે પર બાઈક સાઈડમાં ઊભું રાખી નાસ્તો કરવા જઈ રહ્યા હતા, ત્યારે એક હોન્ડા સિટી કારે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા બંને યુવકો રોડ પર પટકાયા હતા.
જેમાં શૈલેષજીને મગજના ભાગે ઇજા થઈ હતી, જ્યારે મહેન્દ્રસિંહને હાથ, કપાળ અને આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તેમના સંબંધીઓ તેમને વધુ સારવાર માટે વડનગર લઈ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર દ્વારા સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

