ડીસા તાલુકાના તાલેગંજમાં ઝાટકા મશીને બે સગા ભાઈઓનો ભોગ લીધો : રબારી પરિવારમાં માતમ છવાયો

ડીસા તાલુકાના તાલેગંજમાં ઝાટકા મશીને બે સગા ભાઈઓનો ભોગ લીધો : રબારી પરિવારમાં માતમ છવાયો

ડીસા તાલુકાના તાલેગંજ ગામમાં આજે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. ખેતરમાં રક્ષણ માટે લગાવવામાં આવેલા ઝાટકા મશીનના જીવલેણ કરંટની ઝપેટમાં આવી જતાં બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર રબારી સમાજ અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.​

મળતી માહિતી મુજબ, તાલેગંજ ગામની સીમમાં આવેલા ખેતરમાં વન્ય પશુઓથી પાકના રક્ષણ માટે ઝાટકા મશીન લગાવવામાં આવ્યું હતું. આજે અચાનક એક ભાઈ આ મશીનના વાયરોમાં વહેતા વિદ્યુત પ્રવાહની અડફેટે આવી ગયો હતો. તેને તડપતો જોઈ નજીકમાં જ હાજર રહેલો બીજો સગો ભાઈ તેને બચાવવા માટે દોડી ગયો હતો.​ કમનસીબે, જીવના જોખમે ભાઈને છોડાવવા ગયેલા બીજા ભાઈને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. જોતજોતામાં બંને ભાઈઓ કરંટની ચુંગાલમાં ફસાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ બંનેના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.​

એક જ પરિવારના બે આશાસ્પદ જુવાનજોધ દીકરાઓના મોતથી રબારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.​ખેતરોમાં સુરક્ષા માટે વપરાતા સાધનો ક્યારેક કેટલા જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *