મેઘરજ તાલુકામાં ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની સ્થિતી દયનીય બની છે. ખેડૂતોએ ચાલુ સીઝનમાં ઘઉં, ચણા, મકાઈ, જીરું અને વરિયાળીનું વાવેતર કરી, મોંઘા બિયારણ અને સારી માવજત દ્વારા પાકને તૈયાર કર્યો છે. હવે જ્યારે પાક તૈયાર થવાની આણી પર છે, ત્યારે ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. ખેડૂતો અને મહિલાઓને પોતાનું નિત્યક્રમનું કામકાજ છોડીને વહેલી સવારથી જ કકડતી ઠંડીમાં મેઘરજના ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. જો સમયસર ખાતર ન મળે તો ઘઉં, ચણા, જીરું અને વરિયાળી જેવા પાકોમાં જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના છે, જે ખેડૂતો માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદેલા બિયારણ અને કરેલી મહેનત પર પાણી ફરી વળવાની ભીતી છે. ખેડૂતોની માગ છે કે તેમને પૂરતા પ્રમાણમાં અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમનો પાક બચાવી શકાય અને આર્થિક નુકસાની ટાળી શકાય.

- January 17, 2025
0 1,662 Less than a minute
You can share this post!
editor