આત્મનિર્ભર; પપૈયા, મગફળી, જામફળ, ચીકુ, આંબા તેમજ ડુંગળીની ખેતી થકી વાર્ષિક ૪.૭૦ લાખનો નફો મેળવ્યો

આત્મનિર્ભર; પપૈયા, મગફળી, જામફળ, ચીકુ, આંબા તેમજ ડુંગળીની ખેતી થકી વાર્ષિક ૪.૭૦ લાખનો નફો મેળવ્યો

સરકારની દેશી ગાય નિભાવ યોજના તથા પંચસ્તરીય મોડેલ ફાર્મ સહાય થકી બાગાયતી પાકોનું વાવેતર કર્યું

પ્રાકૃતિક ખેતીને અપનાવી બનાસકાંઠાના ખેડૂત વિનોદભાઈ બન્યા આત્મનિર્ભર

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે વિવિધ સહાય સહિત અનેક પ્રયાસો હાથ ધરાયા છે.

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂણી ગામના ખેડૂત વિનોદભાઈ ચૌધરી છેલ્લા ત્રણ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમણે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે તથા બાગાયતી પાકોનું પણ વાવેતર કર્યું છે.

વિનોદભાઈએ દેશી ગાય નિભાવ યોજના હેઠળ ગુજરાત સરકાર પાસેથી રૂપિયા ૧૦,૮૦૦ અને પંચસ્તરીય મોડેલ ફાર્મ માટે રૂપિયા ૧૩,૦૦૦ની સહાય મેળવી છે. સરકારની બાગાયતી પાકના વાવતરમાં ૫૦ ટકાની સહાય મેળવી છે. તેઓ જણાવે છે કે તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે. ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં બાગાયતી પાકમાં પપૈયા, મગફળી, જામફળ, ચીકુ, આંબા તેમજ શાકભાજીમાં ડુંગળીની ખેતી કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવ્યું છે. આ વાવેતરમાં તેમને વાર્ષિક કુલ રૂ. ૯૩,૦૦૦/નો ખર્ચ થયો હતો. આ ખર્ચની સામે તેમણે વાર્ષિક રૂ. ૪,૭૦,૦૦૦/નો ચોખ્ખો નફો મેળવ્યો છે.

તેઓ ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિને આધારે તેઓ જમીનનું આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ મેળવે છે. ખેતીની સાથે સાથે તેમણે ૧૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપી છે અને આજુબાજુના અનેક ખેડૂત મિત્રોને આહવાન કરે છે કે, તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે, જેથી સ્વસ્થ જીવનશૈલી સાથે ખેતીમાં ખર્ચ ઘટાડો થાય અને નફો પણ વધારે મળે જે વિનોદભાઈ જેવા ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *