સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસે ગલોડિયા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના અંબાસાથી આવી રહેલી એક નંબર વગરની કારને ગલોડિયા બસ સ્ટેશન નજીક અટકાવવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન પાછળની ડિકીમાંથી 2.05 લાખની કિંમતની વિદેશી દારૂની 908 બોટલો મળી આવી હતી.
પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી કુલ 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાર ચાલક રાકેશ રાજુરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે, જે રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેખાલા તાલુકાના ભાલુ રાજવા ગામનો રહેવાસી છે. ખેડબ્રહ્માના પીઆઇ ડી.આર. પઢેરીયાના જણાવ્યા મુજબ, પોલીસની ડી-સ્ટાફની ટીમ ગલોડિયા નજીક વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે આ સફળતા મળી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોણે ભરાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.