સાબરકાંઠા જિલ્લા એલસીબીએ હિંમતનગરના વીરપુર બાયપાસ ત્રણ રસ્તા પરથી બે શખ્સોને ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કુલ ત્રણ વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે બાતમીના આધારે ઇડરથી હિંમતનગર બાયપાસ વીરપુર ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન નંબર વગરની વેગનઆર અને ઇકો કાર જપ્ત કરી હતી. આ બંને વાહનો ઇડરમાંથી ચોરાયેલા હોવાનું સામે આવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓમાં ભગાભાઈ પ્રજાપતિ (ઉંમર 42) અને વિષ્ણુભાઈ પ્રજાપતિ (ઉંમર 26)નો સમાવેશ થાય છે. બંને હાલ ઇડર બારેલા તળાવ વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના વતની છે. પૂછપરછમાં આરોપીઓએ ખેડબ્રહ્મામાંથી શિવરાત્રી આસપાસ સેન્ટ્રો કાર (GJ-17-C-6176) ચોરી કરી રાજસ્થાનના પાલી બજારમાં રૂ. 25 હજારમાં વેચી દીધી હોવાની કબૂલાત કરી છે.
જપ્ત કરાયેલા વાહનોમાં રૂ. 40,000ની કિંમતની વેગનઆર (GJ-7 AG-3872) અને રૂ. 1,80,000ની કિંમતની અન્ય કાર (GJ-31-A-6551)નો સમાવેશ થાય છે. LCBએ આરોપીઓને કુલ રૂ. 2.20 લાખના મુદ્દામાલ સાથે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા છે, જ્યાં તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.