રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં, રશિયન સેના યુક્રેનમાં સતત ઝડપી હુમલાઓ કરી રહી છે. રશિયન સેનાએ ફરી એકવાર યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે. રશિયાના આ હુમલાઓમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે. હુમલા દરમિયાન રશિયાએ એક પેસેન્જર ટ્રેનને પણ નિશાન બનાવી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રેન હુમલાનો એક વીડિયો શેર કર્યો. વીડિયો દરમિયાન, ઝેલેન્સકીએ કહ્યું, “રશિયાએ ખાર્કિવ ક્ષેત્રમાં એક પેસેન્જર ટ્રેન પર હુમલો ડ્રોનથી હુમલો કર્યો. કોઈપણ દેશમાં, નાગરિક ટ્રેન પર ડ્રોન હુમલો આતંકવાદ માનવામાં આવશે. ટ્રેનના ડબ્બામાં નાગરિકોને મારવાનું કોઈ લશ્કરી કારણ હોઈ શકે નહીં. ટ્રેનમાં 200 થી વધુ લોકો હતા, અને રશિયન ડ્રોન દ્વારા હુમલો કરાયેલ ડબ્બામાં 18 લોકો હતા.”
રશિયા દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે બંને પક્ષો વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળ વાટાઘાટો ચાલી રહી છે. આ ઉપરાંત, રશિયાએ દક્ષિણ શહેર ઓડેસા પર 50 થી વધુ ડ્રોનથી હુમલો કર્યો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા. પ્રાદેશિક ગવર્નર ઓલેગ કિપરે જણાવ્યું હતું કે ઘાયલોમાં 39 અઠવાડિયાની ગર્ભવતી મહિલા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે. હુમલામાં ડઝનબંધ રહેણાંક ઇમારતો, એક ચર્ચ અને એક શાળાને નુકસાન થયું હતું. શહેરના ઉર્જા માળખાને ભારે નુકસાન થયું હતું, જેના કારણે મોટી સંખ્યામાં લોકો વીજળી, લાઇટિંગ અને હીટિંગ વગર રહી ગયા હતા.
રશિયન દળોએ યુક્રેનમાં 165 હુમલાખોર ડ્રોન છોડ્યા. યુક્રેનિયન વાયુસેના અનુસાર, આમાંથી ઘણા નાશ પામ્યા હતા, પરંતુ પશ્ચિમી લ્વિવ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને અસર થઈ હતી. રાજ્ય ગેસ કંપની નાફ્ટોગાઝે પશ્ચિમી યુક્રેનમાં તેની એક સુવિધામાં આગ લાગવાની જાણ કરી હતી. અન્ય વિસ્તારોમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે. પૂર્વી ડોનેટ્સકના સ્લોવિઆન્સ્કમાં એક પતિ-પત્નીના મોત થયા હતા, જ્યારે તેમનો 20 વર્ષનો પુત્ર બચી ગયો હતો. ઝાપોરિઝ્ઝિયામાં ડ્રોન હુમલામાં 58 વર્ષીય પુરુષનું મોત થયું હતું. રશિયન ગોળીબારથી ખેરસનમાં 72 વર્ષીય મહિલાનું મોત થયું હતું.
દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે ઝાપોરિઝ્ઝિયા અને ખાર્કિવ પ્રદેશોમાં વધુ બે ગામો કબજે કરવાનો દાવો કર્યો છે, જ્યારે રશિયન દળો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ હુમલાઓને શાંતિ પ્રયાસો માટે નુકસાનકારક ગણાવ્યા અને સાથી દેશોને મોસ્કો પર દબાણ વધારવા વિનંતી કરી. તેમણે કહ્યું કે રશિયા દ્વારા આવો દરેક હુમલો હજુ પણ ચાલી રહેલી રાજદ્વારીને નબળી પાડે છે.

