ઠેકેદારો અને અધિકારીઓની સાંઠગાંઠના આક્ષેપ; ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રોડ- રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગ અંગેની વ્યાપક લોક ફરિયાદો ઉઠી રહી છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા રોડ રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હાલમાં ડીસા તાલુકાના માલગઢથી પરબડી રોડ તેમજ રાણપુર આથમણાવાસ ખાતે રસ્તાના કામ ચાલી રહ્યા છે.આ કામોમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે, જેના કારણે નવા બનેલા રસ્તા ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તા બનાવતા અગાઉ જંગલ કટીંગ, દબાણો દૂર કરવા, તેમજ મેટલ પાથર્યા બાદ સાઇડ ઉપર માટીકામ કરી યોગ્ય રીતે ડસ્ટ નાંખી રસ્તા બનાવવાના હોય છે પરંતુ સુપરવાઇઝર તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી
રોડ રસ્તાના કામોમાં નિર્ધારિત ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી તેમજ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે.આ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ઠેકેદારો અને અધિકારીઓ મળીને ગુણવત્તા સાથે સમાધાન કરીને પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. હાલમાં બનેલા રોડ એક ચોમાસુ પણ ટકી શકે તેવી સ્થિતિમાં નથી આથી આ રસ્તાઓનું સ્પેશિયલ ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે તો પોલ ખુલી જાય તેમ છે.આ મામલે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે કે, ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રોડ રસ્તાના કામોની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.તેમજ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે.આશા છે કે લોકોની આ ફરિયાદને ગંભીરતાથી લઈને સરકાર યોગ્ય કાર્યવાહી કરશે.
આ બાબતે ડીસા માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મેં થોડા સમય અગાઉ જ ચાર્જ લીધો છે. મારી પાસે રસ્તાના કામોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિની ફરિયાદ આવશે તો તેની તપાસ કરી ચોક્કસ પગલાં લેવામાં આવશે.