ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ ગ્રુપ ગ્રામ પંચાયત છે, જેની વસ્તી ૩,૦૦૦ ની છે. જ્યાં નક્કર કામ થતા નથી અને જે થાય છે એમાં ગેરરીતિ થયાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે વર્તમાનમાં ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દશા અને દિશા શુ છે? જ્યાં સતત ત્રણ વર્ષથી સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર છે જેઓ કામ કમ અને વિવાદમાં વધુ રહ્યા છે. જેના પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો જ બંધ થઈ જવાની સ્થિતિમાં હોવાથી રાહદારી, ખેડૂતો, પશુપાલકો અને બાળકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતાં સરપંચ જાણે કઈ બન્યું જ નથી એવા વટમાં જોવા મળી રહ્યા છે.
સોતવાડા ગામની ગટર લાઈનમાં ગરબડ થતા ગટરના પાણી રસ્તા પર આવ્યા છે, ત્યારે આ બાબતે ગામલોકોએ પંચાયતને રજુઆત પણ કરી હોવા છતાં કઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ સરપંચ અને પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટીડીઓને લેખિત રજુઆત કરતા સરપંચે આકરા તેવર બતાવી રજુઆત કરનારને દબાણ મુદે નોટીસ ફટકારી દબાણ લાવવાની કોશિશ કરી છે. આ સાથે ગટરના પાણી બહાર આવતા હોવાથી રીપેર કરવાની જગ્યાએ તેના પર માટી નાખી દેતા કાદવકીચડ થયો અને મુખ્ય રસ્તો જ બંધ થયો હતો.
આમ ગામમાં સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર આવ્યા બાદ પણ ગટરલાઈન, સાફ-સફાઈ અને લાઈટ સહિતના પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યા છે. ગામમાં જે બોર છે તે પણ બગડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જે રીપેરીંગ ન થતા ગામલોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડી રહ્યું છે, ત્યારે આ બાબતે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે.


