ગંદકી નું નિરાકરણ નહિ આવે તો ગંદકી ઉપાડી પ્રમુખની ઓફિસમાં ઠલવાશે : રહીશો
પાટણ શહેરમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે કચરાના નિકાલની સમસ્યા ગંભીર બની છે. શહેરના જૂના પાવર હાઉસ પાસે વોર્ડ નંબર ૮ અને ૧૦ ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે મોટા પ્રમાણમાં કચરો ઠલવાય છે. આ સ્થળે શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત થતો કચરો અને બે પૈડાંની લારીઓનો કચરો પણ ઠલવવામાં આવે છે.
સ્થાનિક રહેવાસીઓએ આ કચરાના ઢગલાથી ઊભી થયેલી આરોગ્યની સમસ્યા અંગે પાલિકામાં સોમવારે ઉપપ્રમુખ ને રજૂઆત કરી આ ગંદકી ના કાયમી નિરાકરણની માગ કરી હતી. આ ગંદકી બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર ભૂરાભાઈ સૈયદે જણાવ્યું હતું કે વોર્ડ ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ ગંદકી હટાવવા મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે જો આ સમસ્યા નું ત્વરિત નિરાકરણ લાવવામાં નહિ આવે તો વિસ્તારમાં રહેતા તમામ રહેવાસીઓ આ તમામ કચરો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઠાલવશે તેવી ચિમકી આપી હતી. જોકે સ્થાનિક રહીશોની ગંદકી મામલે કરાયેલી રજૂઆતના પગલે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહે તેમના પ્રશ્નના નિરાકરણ માટેની હૈયાધારણા આપી હતી.

