ચીફ ઓફિસર હાજર ન હોવાથી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નાયબ કલેકટરને રજૂઆત કરાઈ
ડીસા વોર્ડ નં. 2 ના ગુલબાણીનગર સોસાયટીના ગટરના નાળાની બાજુમાં સીસીરોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતાં. જ્યારે કેટલાક દબાણકારોએ દબાણ દુર ન કરાતાં એક તરફના ગટરના નાળાની બાજુમાં સીસીરોડની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જેને લઇને વોર્ડ નં. 2 ના સદસ્ય અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા વારંવાર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી રહી છે. છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે થોડા દિવસ પહેલા સોસાયટીના રહીશો સાથે મળીને પણ સંમતી આપીને દબાણ દુર કરાવીને સીસી રોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજુઆતો સાથે માંગ કરવામાં આવી હતી જ્યારે દબાણદારે ખુદ પણ પાલિકામાં રજુઆત કરી હતી.
જે બાદ પાલિકા દ્વારા સીસીરોડની કામગીરી બંઘ કરી દેવાતાં સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ છવાયો હતો અને આજરોજ ગુલબાણીનગર સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાલિકા કચેરી ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ચીફ ઓફિસર હાજર ન હોવાથી પાલિકાના પ્રમુખ સહિત ઉપપ્રમુખ અને નાયબ કલેકટરને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી અને પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો.જયારે સીસી રોડની કામગીરી અડચણરૂપ દબાણ દુર કરી તાત્કાલિક અસરથી સીસી રોડની કામગીરી પુર્ણ કરી સ્વચ્છતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

