રહેવા માટેની વ્યવસ્થા કરો નહીં તો કચેરી બહાર ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી
તંત્ર દ્વારા નવ જેટલા દબાણ તોડી પાડવામાં આવ્યા; પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિર સામે સીટી સર્વે કચેરી દ્વારા પોલીસ અને નગરપાલિકાની ટિમ દ્વારા આઠથી નવ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેથી બેઘર થયેલા લોકોએ બીજા દિવસે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરીને તેમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
પાલનપુર ગણેશપુરા વિસ્તાર બહુચર માતાના મંદિર સામે દબાણમાં આવેલા આઠથી નવ મકાનો સીટી સર્વે કચેરી દ્વારા જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યા હતાં. અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. જેના પગલે મકાનોમાં રહેતા પરિવારો બેઘર થઈ ગયા હતા. અને તમામ રહીશો બીજા દિવસે બુધવારે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવી જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી કે અમને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે. જેથી કલેક્ટર દ્વારા પણ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે અમારા અહીં આઠથી નવ મકાનો હતા પણ અચાનક નોટિસ આપ્યા વગર જ મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. તેવા આક્ષેપો કર્યા હતાં.
જેના કારણે અમો રસ્તા ઉપર આવી ગયા છીએ અમારે ખાવા પીવાના કોઈ ઠેકાણા નથી. જેથી અમે કલેકટર જોડે આવી અમારી રહેવાની વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. અને ત્રણ દિવસમાં અમારી માગણી પૂરી કરે અને જો ત્રણ દિવસમાં અમને હકારાત્મક જવાબ આપવામાં નહિ આવે અને અમારા રહેઠાણ માટેની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો તમામ રહીશો કલેકટર કચેરીમાં આવી ભૂખ હડતાલ ઉપર બેસી અથવા તંબુ તાણીને બેસી જઈશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.