એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઉછાળો, લોકોમાં ઠંડીથી થોડી રાહત
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બર્ફીલા ઠંડા પવનોને લઈ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો. ત્યારે ફરી એક વાર વાતાવરણમાં પલટો આવવાના કારણે અનુભવાતી તીવ્ર ઠંડીમાંથી લોકોને હવે થોડી રાહત મળી છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણના પગલે તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં અંદાજે 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, જેના કારણે ઠંડીની તીવ્રતા એકદમ ઘટી જવા પામી છે. શનિવારની વહેલી સવારે જિલ્લામાં આકાશમાં વાદળોની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. વાદળછાયા વાતાવરણના કારણે રાત્રિના સમયે ઠંડક ઓછી અનુભવાઈ રહી છે, જ્યારે વહેલી સવારે પણ અગાઉ જેવી ઠંડી લાગતી નથી. ખાસ કરીને ડીસા, પાલનપુર, થરાદ, વાવ અને દાંતા પંથકમાં ઠંડીથી પરેશાન રહેલા લોકો માટે આ ફેરફાર રાહતજનક બન્યો છે. તાપમાન વધતા સવાર અને સાંજના સમયે ઘરોમાંથી બહાર નીકળતા લોકોમાં વધારો જોવા મળ્યો છે. વેપાર-ધંધા તેમજ રોજિંદી પ્રવૃત્તિઓ પર પણ ઠંડીની અસર ઓછી થઈ છે.
ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને પગલે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટતા રસ્તાઓ પર મોલો મચ્છરનું પ્રમાણ વધતા ટુ વ્હીલર વાહન ચાલકો અને રસ્તા પર પર ચાલતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જોકે બનાસકાંઠા જિલ્લા વાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરના કારણે ફરી વાતાવરણમાં પલટો આવ્યો
ઉત્તર ભારતના પહાડી વિસ્તારો અને કેટલાક મેદાની વિસ્તારોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લા ઉપર પણ થવા પામી છે. જેના કારણે વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે જોકે આ સિસ્ટમને પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની શક્યતાઓ નહીવત છે. પરંતુ ફરી એકવાર આગામી સમયમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.

